રાજકોટ
News of Tuesday, 5th November 2019

૫૦૦નો દંડ લઈ લો, તેની સામે હેલ્મેટ આપોઃ હાર્દિક પટેલ

સરકાર ખેડૂતો સામે નહિ જોવે તો આત્મહત્યાના બનાવો વધશેઃ કોંગ્રેસના માળખામાં યુવાનો અને મહિલાઓને તક અપાશેઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અકિલાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ, તા. ૫ :. કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓએ અકિલા ફેસબુક લાઈવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે લાઈવ મુલાકાત કરી હતી.

હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા ટ્રાફીક નિયમનના નવા કાયદા આમજનતા માટે માથાના દુઃખાવા સમાન છે. સરકારે રૂ. ૫૦૦નો દંડ લઈ લેવો જોઈએ પરંતુ તેની સામે હેલ્મેટ આપવુ જોઈએ. જેથી બીજી વખત વાહન ચાલક દંડથી બચી શકે. હેલ્મેટનો કાયદો લોકોને લૂંટવાનો કાયદો છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે અત્યારે કોઈપણ વાહન ચાલકને પીયૂસી મળી જાય છે. તેમા પણ ભ્રષ્ટાચાર છે. પીયૂસીની લાઈનમાં છકડો રીક્ષા ચાલક કે મર્સિડીઝ ગાડી જોવા મળતી નથી. નાના વાહનચાલકો જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હાર્દિક પટેલે જણાવ્યુ કે, લોકોની સાચી વાત સરકાર સમક્ષ રજૂ કરવી જોઈએ. આ માટે સત્તા પક્ષ અને વિપક્ષ બન્નેએ લોકોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ અને જરૂર પડે તો લડત પણ આપવી જોઈએ. ખેડૂતોના હિતમાં વાતો નહિ થાય અથવા તો તેમના પ્રશ્નો નહિ ઉકેલાય તો આત્મહત્યાના આંકડા વધશે. ગયા વર્ષે ૨૫૦૦૦ કરોડ રૂપિયા વિમાના નામે લઈ લીધા પરંતુ ખેડૂતોને હજુ સુધી પાક વિમો મળ્યો નથી. ભાજપ સરકાર સત્તાના મદમાં છે ત્યારે જનતાએ સરકાર સામે અવાજ ઉઠાવવો પડશે.  હાર્દિક પટેલે જણાવ્યુ કે મારી સામે ૫૨ જેટલા કેસ છે તેમ છતા પણ હું સરકાર સામે લડત આપી રહ્યો છું. જનતા બોલશે તો જ સરકાર જાગશે. ગરીબ લોકો પાસે પુરતા નાણા નથી અને ટ્રાફીક નિયમનના એક એક હજાર રૂપિયા દંડ કેવી રીતે ભરી શકે ?

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસના નવા માળખામાં યુવાનો અને મહિલાઓને વધારે સમાવવા જોઈએ.

અકિલા કાર્યાલયે હાર્દિક પટેલ સાથે બ્રિજેશભાઇ પટેલ, અભિષેકભાઇ તાળા, દિપકભાઇ ધવા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

પક્ષપલ્ટાની રાજનીતિને કયારેય સમર્થન નહિ

રાજકોટઃ હાર્દિક પટેલે તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, પક્ષપલ્ટાની રાજનીતિને કયારેય સમર્થન મળતુ નથી. ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતના મુદ્દાને જ મહત્વ આપવુ જોઈએ. આ માટે ગુજરાતના ૧૫ લાખ બેરોજગારો, શિક્ષણનું વ્યાપારીકરણ, કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સહિતના મુદ્દે ન્યાય મળવો જોઈએ.

કૃષિમંત્રીઓ પાકની પરિસ્થિતિ જોવા નહિ પરંતુ ફોટા પડાવવા તો વાડીઓમાં જાય...!

રાજકોટઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એ ખબર નથી કે કયા વિસ્તારમાં કયો પાક થાય છે?

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે કેન્દ્રમાં પરસોતમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી તરીકે જ્યારે રાજયમાં આર.સી. ફળદુ રાજ્યના કૃષિમંત્રી તરીકે કાર્યરત છે ત્યારે તેઓએ ખેડૂતોની હાલની પરિસ્થિતિ કેવી છે ? તે અંગે તપાસ કરવી જોઈએ, પરંતુ તેવુ થયુ નથી તેથી આ બન્ને મંત્રીઓએ પરિસ્થિતિ જાણવા નહિ પરંતુ ફોટા પડાવવા માટે પણ વાડીઓમાં જવુ જોઈએ તેમ કહીને ટોણો માર્યો હતો.

લોકલ ટ્રેનના ઠેકાણા નથી અને બુલેટ ટ્રેનની વાતો કરે છે...

હાર્દિક પટેલે લોકોને શું જરૂરીયાત છે ? તે તરફ સરકારે ધ્યાન આપવુ જોઈએ પરંતુ તેવુ થઈ શકતુ નથી. લોકલ ટ્રેનના ઠેકાણા નથી અને બુલેટ ટ્રેનની વાતો થાય છે. ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર છે. વાહન ચાલકો પરેશાન છે. ખેડૂતોની સ્થિતિ પણ કંગાળ છે.  આવા સમયે સરકારે ખેડૂતોને ન્યાય આપવો જોઈએ.

(3:24 pm IST)