રાજકોટ
News of Tuesday, 5th November 2019

બોમ્બ મુકનાર સુત્રધારને આશરો આપનારા રાજકોટના નિલેષ કુવાડીયા અને મોરબીના કરસન મારૂની ધરપકડ

સુત્રધાર દિનેશ સાથે બંનેએ બિકાનેર, મોરબીમાં કામ કરી આશરો આપ્યો'તોઃ બંને સામે અલગથી ગુનો દાખલ

રાજકોટ તા. ૫: વર્ષ ૨૦૧૭માં ખોડિયાપરામાં પ્રેમિકાના કહેવાથી તેણીના પડોશીના ઘર પાસે દેશી ટાઇમ બોમ્બ મુકવાના ગુનામાં સુત્રધાર દિનેશ બોઘાભાઇ ગીણોયા (પટેલ) (ઉ.૫૦-રહે. હાલ મોરબી,  લોરીના કારખાનામાં  માળીયા ફાટક આગળ, મુળ બામણગામ તા. કાલાવડ)ને શહેર એસઓજીએ પકડી લીધા બાદ રિમાન્ડ મંજુર થયા હતાં. તપાસમાં પોલીસે બોમ્બમાં વપરાયેલી ઘડીયાળ, કલાક-સેકન્ડના કાંટા મોરબીમાં જ્યાંથી લીધા હતાં ત્યાં દિનેશને લઇ જઇ દૂકાનદાર મારફત ઓળખ કરાવતાં તેણે દિનેશને ઓળખી લેતાં મહત્વનો પુરાવો મળ્યો હતો. દિનેશના રિમાન્ડ પુરા થતાં તે જેલહવાલે થયો છે. બીજી તરફ તે ફરાર હતો એ દરમિયાન તેને આશરો આપનારા રાજકોટ અને મોરબીના બે શખ્સોને પકડી લેવાયા છે.

એસઓજીએ જુના મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રઘુવીર પાર્ક-૧, શેરી નં. ૨માં રહેતાં નિલેષ ભરતભાઇ કુવાડીયા (રાજગોર બ્રાહ્મણ) તથા મોરબી સામા કાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટી સાઇ સ્મૃતિ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૬માં રહેતાં કરસન પરબતભાઇ મારૂ (આહિર) સામે આઇપીસી ૨૧૨, ૧૧૪ મુજબ બોમ્બકાંડના આરોપી દિનેશને તે આ ગુનામાં ફરાર હોવા છતાં અને ભાગતો ફરતો હોવાનું જાણવા છતાં આશરો આપવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી છે.

નિલેષ રાજગોરે જે તે વખતે દિનેશને પ્રથમ રાજકોટ પોતાના ઘરે આશરો આપ્યો હતો. એ પછી કરસનના કોન્ટ્રાકટવાળા કારખાનામાં કામે રખાવ્યો હતો અને કારખાનામાં જ રહેવાની વ્યવસ્થા કરાવી આપી હતી. આ ઉપરાંત ત્રણેયએ ચાર મહિના સુધી રાજસ્થાનના બિકાનેરમાં અને એ પછી મોરબીમાં મજૂરી કરી હતી. આ બંને સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, એએઅસાઇ વિજયભાઇ શુકલા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા સહિતે આ કામગીરી કરી હતી.

(1:13 pm IST)