રાજકોટ
News of Tuesday, 5th November 2019

ભગવતીપરાના રવિ વાઘેલાને શિતલ ચાવડાએ પ્રેમજાળમાં ફસાવી અનહદ ત્રાસ આપતાં મરવા મજબૂર થયો'તો

રવિ ગરબી જોવા ઉભો'તો ત્યારે શિતલે 'તું હજુ જીવે છે, તારે તો મરી જવું જોઇએ'...તેમ કહી ઝેરી દવાની બોટલ ફેંકી'તી : ૯ ઓકટોબરે ઝેર પી લેનારા ૨૪ વર્ષિય યુવાનનું ૧૪મીએ મોત થયુ હતું: તેના પિતા ભરતભાઇની ફરિયાદ પરથી બે સંતાનની માતા શિતલ વિરૂધ્ધ ગુનો નોંધાયો : શિતલે ધમકી આપી કહેલું કે-મારા ઘરવાળાને પણ મેં નથી છોડ્યો તો તારુ શું આવે?: શિતલના પતિ મોરબીના પ્રકાશે પણ તેણીના ત્રાસથી ઝેર પી જિંદગી ટુંકાવી લીધી'તી : શિતલને ફસાવી ૪ લાખ રૂપિયા ખર્ચાવી નાંખતા પાંચેક મહિના પહેલા પણ રવિએ ઝેર પીધું હતું: બચી ગયા પછી ધરાર પ્રેમ રાખવા દબાણ કરતી'તી

આપઘાત કરનાર રવિનો ફાઇલ ફોટો અને તેનું મૃત્યુ થયું ત્યારે વિગતો જણાવતાં તેના પિતા ભરતભાઇ સહિતના સ્વજનોની ફાઇલ તસ્વીર

રાજકોટ તા. ૫: ગયા મહિને ૯મીએ ભગવતીપરા જયનંદનવન સોસાયટીમાં રહેતાં રવિ ભરતભાઇ વાઘેલા (ઉ.૨૪) નામના દલિત યુવાને ઝેર પી લીધું હતું અને સારવાર દરમિયાન ૧૪મીએ દમ તોડી દીધો હતો. આ આપઘાત પાછળ તેના પડોશમાં જ રહેતી શિતલ પ્રકાશ ચાવડા નામની મહિલા  જવાબદાર હોવાની ફરિયાદ રવિના પિતાએ નોંધાવી છે. મોરબી પરણેલી શિતલના પતિએ પણ તેણીના ત્રાસથી આપઘાત કર્યો હતો. એ પછી શિતલ ભગવતીપરામાં માવતરે આવી હતી અને પડોશમાં રહેતાં રવિને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા માંગી હેરાનગતિ શરૂ કરતાં રવિએ પ્રેમસંબંધ તોડી નાંખતા તેને ખોટા ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપતાં તે મરી જવા મજબૂર થયાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે. પાંચેક મહિના પહેલા પણ રવિએ ત્રાસને લીધે ઝેર પીધું હતું. ત્યારે બચી ગયો હતો. એ પછી નવરાત્રીમાં શિતલે 'તું હજુ જીવે છે, તારે તો મરી જ જવું જોઇએ' કહી તેના પર દવાની બોટલ ફેંકતા અને ધમકી આપતા તેણે ઝેર પી લીધું હતું. એ પછી સારવાર

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે આપઘાત કરનાર રવિના પિતા ભગવતીપરા જયનંદન સોસાયટી-૩માં રહેતાં મુળ જેતપુરના ભરતભાઇ કાળાભાઇ વાઘેલા (દલિત) (ઉ.૪૮)ની ફરિયાદ પરથી ભગવતીપરા જયનંદનવનમાં જ રહેતી શિતલ પ્રકાશ ચાવડા સામે આઇપીસી ૩૦૬, ૫૦૪, ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.

ભરતભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છુ અને કડીયા કામ કરી ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં મોટો રવિભાઇ કડીયા કામ કરતો હતો. દિકરી સાસરે છે. નાનો દિકરો વિશાલ છુટક કામ કરે છે. મારા પત્નિ પ્રભાબેન ઘરકામ કરે છે. અમે જેતપુરથી દસેક વર્ષથી રાજકોટ રહેવા આવ્યા છીએ.

છએક મહિના પહેલા મારા દિકરા રવિ (ઉ.૨૪)એ અમારા ઘર પાસે આવેલા રેલ્વેના સીટી સ્ટેશન પાસે દવા પી લેતાં તેને દોશી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને તે વખતે દવા પીવાનું કારણ પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે-આપણા ઘર પાસે જય નંદનવન સોસાયટીમાં રહેતી શિતલ પ્રકાશ ચાવડા સાથે મારે પ્રેમ સંબંધ છે. આ પ્રેમસંબંધમાં મેં શિતલ પાછળ ૪ લાખ રૂપિયા વાપરી નાંખ્યા છે. તે મને અવાર-નવાર મારકુટ કરે છે, ઝઘડા કરે છે તેમજ અવાર-નવાર ખર્ચના રૂપિયા માંગે છે. જેના કારણે હું રૂપિયાના દેણામાં આવી ગયો છું.

મારા દિકરાએ ઉપરોકત વાત તે વખતે જણાવી હતી. પરંતુ ત્યારે સમાજમાં આબરૂ જવાની બીકે પોલીમસાં આ વિગતો જણાવી નહોતી. ત્યારે અમે શિતલને સમજાવી પ્રેમ સંબંધ પુરો કરાવી નાંખશું તેવું નક્કી કર્યુ હતું. શિતલના લગ્ન મોરબીના રોહિદાસપરામાં રહેતાં પ્રકાશ દિનેશભાઇ ચાવડા સાથે થયા હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી પણ છે. શિતલે તેના પતિ પ્રકાશને દુઃખત્રાસ આપી ઝઘડો કરતાં પ્રકાશે પણ ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બાબતે શિતલ ઉપર બી-ડિવીઝનમાં ૩૦૬ મુજબ ગુનો પણ દાખલ થયો હતો. આ ફરિયાદ દાખલ થયા બાદ શિતલ તેના માવતરે રાજકોટ ભગતવીતપરા જય નંદનવનમાં જ રહેવા આવી ગઇ હતી. મારા દિકરા રવિએ દવા પી લીધા બાદ તેને સારુ થઇ ગયું હતું. પરંતુ એ પછી પણ શિતલે મારા દિકરા રવિને પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતાં અને પૈસાની માંગણી કરતાં મારા દિકરાએ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

જેથી શિતલે મારા દિકરા વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં અરજી કરતાં તેના મામલતદાર સમક્ષ જામીન લેવડાવાયા હતાં. એ પછી પણ શિતલ અવાર-નવાર પાછળ આવી પરાણે પ્રેમ રાખવા અને રૂપિયા આપવા હેરાન કરતી હતી અને પોલીસમાં સાચી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતી હતી. આ વાત રવિએ અમને પરિવારજનોને કરી હતી. તેમજ શિતલ જો હવે હેરાન કરશે તો હું બીજીવાર દવા પી લઇશ અને મારી મરી જવું પડશે...તેવી વાત પણ રવિએ કરી હતી. શિતલ રવિને પરાણે તેના ઘરે બોલાવતી હતી. મારા પત્નિ પ્રભાબેન સાથે પણ શિતલે ઝઘડો કર્યો હતો.

એ પછી તા. ૯/૧૦/૧૯ના રોજ હું ઘરે હતો ત્યારે નાના દિકરા વિશાલે વાત કરી હતી કે રવિએ ભગવતીપરા-૫માં સ્વામિનારાયણ ડેરી પાસે દવા પી લીધી છે. જેથી અમે તેને સિવિલમાં લઇ ગયા હતાં. ત્યાં રવિએ ફરીથી વાત કરી હતી કે હું ગરબી જોવા ભગવતીપરા-૫માં ગયો ત્યારે રાત્રીના સવા બારેક વાગ્યે શિતલે આવી પ્રેમસંબંધ રાખવા બાબતે ઝઘડો કર્યો હતો. તે વખતે મિત્રો સાગર, મયુર, ભરત, ઉમેશ સહિતના પણ હતાં. તે વખતે શિતલે 'તું હજી જીવશ, તારે તો દવા પી ને મરી જવું જોઇએ' તેમ પણ કહેતાં અને થોડીવાર બાદ શિતલ દવાની બાટલી લઇને આવી હતી અને 'જો તારે મારી હારે પ્રેમ સંબંધ રાખવનો ન હોય તો આ દવા પીને મરી જા' તેમ કહી  મારા પર બોટલનો ઘા કરતાં મેં મારા મોબાઇલ ફોનનો શિતલ ઉપર ઘા કર્યો હતો. એ મોબાઇલ શિતલે લઇ લીધો હતો. તેમજ શિતલે હવે હું તારા ઉપર જોવા જેવી કરીશ, તું મારી સાથે પ્રેમ નહિ રાખ તો પોલીસ ફરિયાદ કરશી, તને ખોટો ફીટ કરાવી દઇશ...મારા ઘરવાળાને મેં મુકયો નથી તો તારું મારી પાસે શું આવે?

ઉપરોકત વાત મારા દિકરાએ મને તેણે ૯મીએ દવા પી લીધી ત્યારે કરી હતી. શિતલના ત્રાસને લીધે જ તેણે દવા પી લીધાનું પણ તેણે જણાવ્યું હતું. દરમિયાન મારા દિકરા રવિની તબિયત વધુ ખરાબ થતાં અમે તેને સિવિલમાંથી દેવ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં ૧૪/૧૦ના રોજ તેનું મૃત્યુ થયું હતું. મારા દિકરાને શિતલે પ્રેમજાળમાં ફસાવી સતત ઝઘડા કરી ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી તેમજ મારકુટ કરી ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગી હેરાન કરી મારા દિકરાને મરી જવું પડે તેવા સંજોગો ઉભા કરતાં તે મરી જવા મજબૂર થયો હતો. તેમ એફઆઇઆરના અંતે ભરતભાઇએ જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, ચંદ્રસિંહ, વિજયગીરી સહિતે વિશેષ તપાસ શરૂ કરી છે.

(1:11 pm IST)