રાજકોટ
News of Tuesday, 5th November 2019

રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિકના નવા નિયમો પ્રજા સાથે પોલીસ માટે પણ મુશ્કેલીજનક!

જૂની મેમો બૂકની પહોંચમાં ૧૦૦ રૂપિયાના જ દંડનો ઉલ્લેખઃ આ કારણે વાહન ચાલકો જુનો દંડ જ વસુલવાનું કહી માથાકુટ કરે છેઃ ટ્રાફિક પોલીસને રૂ. ૫૦૦ના દંડનો નવો પરિપત્ર બતાવવો પડે છે

રાજકોટ તા. ૫: ટ્રાફિકના નવા નિયમો માત્ર પ્રજા માટે જ નહીં પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યા છે. તેનું કારણ છે પોલીસ પાસે સ્ટોકમાં રહેલી જથ્થાબંધ જુની મેમો બૂક. આ બૂકમાં અગાઉના નિયમો મુજબ હેલ્મેટ ન પહેરનાર માટે રૂ. ૧૦૦ના દંડની જોગવાઇ છાપેલી છે. પોલીસ પાસે આવી જુની બૂકનો જથ્થો પડ્યો હોઇ હાલમાં નવા નિયમો મુજબ રૂ. ૫૦૦ દંડ વસુલી જુની બૂકની પહોંચ અપાતાં જ વાહનચાલકો ભડકે છે. પહોંચમાં રૂ. ૧૦૦ લખ્યા છે, છતાં કેમ ૫૦૦ વસુલો છો? તેમ કહી પોલીસ સાથે માથાકુટ કરી બેસે છે. અમદાવાદ અને રાજકોટમાં આવું થઇ રહ્યું છે. રાજકોટ ટ્રાફિક બ્રાંચના જવાબદારે જણાવ્યું હતું કે શહેરમાં ઘણી જગ્યાએ આવું થાય છે. પણ નવો પરિપત્ર બતાવીએ એટલે વાહન ચાલકો સમજી જાય છે.

અમદાવાદમાં જુની મેમો બૂકને કારણે માથાકુટના બનાવો વધારે બની રહ્યા છે. આ કારણે પોલીસકર્મીઓ પણ કંટાળી ગયા છે. જો કે તેમને જૂની મેમો બૂકનો સંપૂર્ણ સ્ટોક પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી મળશે નહીં તેવો આદેશ આપી દેવાયો છે. જેને લઈને ટ્રાફિક પોલીસકર્મીઓને રોજબરોજ વાહનચાલકો સાથે લપ થઇ જાય છે.

રાજયમાં નવા મોટર વ્હીકલ એકટ અમલમાં તો આવી ગયો પણ હજુ સુધી ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક પ્રિન્ટ થઈને આવી નથી. જેને કારણે હાલ વાહનચાલકોને જુની મેમો બુકમાંથી જ દંડવામાં આવે છે. જેમાં જુના દંડની વિગતો જ લખવામાં આવી છે. જુના દંડ પ્રમાણે હેલ્મેટના પહેરવા બદલ ૧૦૦ રૂપિયાનો દંડ વસુલવાની સત્ત્।ા છે. નવા નિયમ પ્રમાણે ૫૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે અને આ જ કારણથી ટ્રાફિક પોલીસ કર્મીઓની વાહનચાલકો સાથે રકઝક પણ થતી હોય છે.

જુની ૭૦૦ જેટલી મેમો બુક હજુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસે પડી છે. એ જ રીતે રાજકોટ ટ્રાફિક પોલીસ પાસે પણ ૫૦૦ જેટલી બૂકો હતી. તેમાંની ઘણીખરી બૂકો હજુ પણ સ્ટોકમાં હોઇ હાલ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. નવા મોટર વ્હીકલ એકટનો અમલ ૧૬  સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. જેને દોઢ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી નવી મેમો બુક પ્રિન્ટ થઈ નથી. જુની મેમો બુક પુર્ણ થયા પછી નવી મેમો બુક ટ્રાફિક કર્મીઓને ફાળવવામાં આવશે. જેનાથી પોલીસકર્મીઓની તકલીફ દૂર થઈ શકે છે.

જો કે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ રકઝકનું કામચલાઉ સમાધાન લાવવા માટે તમામ પોલીસકર્મીઓને જુુના મેમા પર નવા નિયમ મુજબ દંડ વસુુુલાયો તેવી સૂચના લખવા માટે આદેશ આપ્યા છે. નવા ટ્રાફિક નિયમો અમલમાં આવે તે પહેલા નવી મેમો બુક તેમજ મેમો માટે હેન્ડ મશીન ટ્રાફિક કર્મીઓને ફાળવવાના હતા. જો કે હજુ સુધી આ મશીનો પણ ફાળવવવામાં આવ્યા નથી.

(1:08 pm IST)