રાજકોટ
News of Friday, 5th October 2018

રાજકોટમાં ૯મીએ નારી સંમેલનમાં હજારો બહેનો ઉમટી પડશેઃ સાંસ્કૃતિક કાર્યક્રમો - ફુડ - પાણીની વ્યવસ્થા

કુલ ૧૮ કમિટીની રચના કરતા કલેકટરઃ ખાસ બેઠક યોજાઈઃ અંજલિબેન રૂપાણી ખાસ હાજર રહેશે

રાજકોટ, તા. ૫ :. આગામી તા. ૯મી ઓકટોબરના રોજ રાજકોટ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના નારી સંમેલનના આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ આ સંમેલન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષોને સોંપાયેલા કામો ચોકસાઈથી પાર પાડવા સૂચના આપી હતી.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરના આદેશ મુજબ યોજાનારા નારી સંમેલનના આયોજન માટે કુલ ૧૮ સમિતિનું ગઠન કરાયુ છે. જે તમામ સમિતિઓના અધ્યક્ષો કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં રાજકોટ જિલ્લાના પડધરી, લોધિકા, જસદણ, કોટડાસાંગાણી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા અને વિંછીયા જેવા ૮ તાલુકાઓ સામેલ થઈ રહ્યા છે, ત્યારે દૂરના તાલુકાઓમાંથી આવતી આશા વર્કર્સ બહેનો, આરોગ્ય કર્મચારીઓ, સખીમંડળની બહેનો, વગેરેને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે જોવા તથા તેમના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવા પર ખાસ ભાર મૂકયો હતો. હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા આ સંમેલનમાં યોગ્ય અવરજવર સુવિધા, ફુડ પેકેટ, પાણી વગેરેની સુઆયોજીત વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

આ સંમેલનના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતિ લીલાબેન આંકોલિયા તેમજ અતિથિ વિશેષ પદે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લામાં કાર્યરત ૧૩ તાલુકા અદાલતો પૈકી ૮ તાલુકા અદાલતના સભ્યો આ સંમેલનમાં જોડાશે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પ્રજાપતિ, ટ્રાફીક વિભાગના એસીપી જે.કે. ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી, જીલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.આર. સાગરકા, એકઝીકયુટીવ એન્જીનીયર ધરાબેન વ્યાસ, જિલ્લા રોજગાર અધિકારી શ્રીમતિ ચેતનાબેન મારડિયા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, રાજકોટ શહેરના રમતગમત અધિકારી વી.પી. જાડેજા અને ગ્રામ્યના પી.આર. પાંડાવદરા, સંબંધિત અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના વડાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨-૯)

 

(12:10 pm IST)