રાજકોટ
News of Thursday, 5th August 2021

સીંગતેલ-કપાસીયા તેલના ભાવ સરખા !

એક સમયે સીંગતેલના ભાવો વધુ હોય લોકો કપાસીયા તેલ ઉપર પસંદગી ઉતારતા : કપાસીયા તેલના ભાવો વધતા લોકો મોંઘવારીથી ત્રસ્ત

રાજકોટ,તા. ૫ : સીંગતેલની સાથે કપાસીયા તેલના ભાવો સરખા થઇ જતા મોંઘવારીના મારમાં  આમ પ્રજાને વધુ એક ફટકો લાગ્યો છે.

આજે સ્થાનીક બજારમાં કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૨૫ રૃા. બોલાતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ સરખા થઇ ગયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ પણ ૧૪૨૫ રૃા. એક સમયે સીંગતેલ અને કપાસીયા તેલના ડબ્બે ૨૦૦ થી ૨૫૦ રૃા ભાવફેર રહેતો હોય ગરીબવર્ગના લોકો સીંગતેલના બદલે કપાસીયા તેલ ઉપર પસંદગી ઉતારતા હતા. પખવાડીયા પૂર્વે સીંગતેલ અને કપાસીયા તેલના ટીનના ભાવમાં રૃા. ૧૦૦ રૃાનો ભાવફેર હતો પણ કપાસીયા તેલના ભાવો સતત વધતા સીંગતેલ અને કપાસીયા તેલ લુઝના ભાવો આજે સરખા થઇ ગયા છે. જો કે, સીંગતેલ અને કપાસીયા ટીના ડબ્બે રૃા. ૧૦રૃાનો ભાવ ફેર છે. સીંગતેલ કરતા કપાસીયા ટીનના ભાવ ૧૦ રૃા ઓછા છે.

સીંગતેલ નવા ટીનના ભાવ ૨૪૬૦ થી ૨૪૯૦ રૃા. છે. જ્યારે જૂના કપાસીયા ટીનના ભાવ ૨૩૯૦ થી ૨૪૨૦ છે. નવા કપાસીયા ટીન અને સીંગતેલના નવા ટીનના ભાવમાં ફકત ૧૦ રૃાનો જ ફેર છે.

સીંગતેલમાં કાચો માલ મળી રહેતો હોય ભાવો હાલપુરતા સ્થિર છે. જ્યારે કપાસના ભાવો સતત વધતા અને કપાસની ઓછી આવકના કારણે કપાસીયા તેલના ભાવો સતત વધી રહ્યા છે.  સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો સરખા થઇ જતા આમ પ્રજા મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઇ છે. 

(3:56 pm IST)