રાજકોટ
News of Thursday, 5th August 2021

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં મોબાઇલ તફડાવતાં શખ્સને સિકયુરીટીએ પકડ્યો

મોબાઇલ પાછો મળી જતાં દર્દીના સગાએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટીની ટીમો અવાર-નવાર ખિસ્સા કાતરૂઓ, મોબાઇલ ચોર અને બીજા શકમંદોને પકડી લે છે અને પોલીસને જાણ કરે છે. આજે ઓપીડીના બીજા માળે ગિરદીનો લાભ લઇ એક શખ્સ મોબાઇલ ચોરવા પહોંચી ગયો હતો. તેણે કતારમાં ઉભેલા દર્દીના સગાનો ફોન બઠ્ઠાવી લીધો હતો. દેકારો મચી જતાં સિકયુરીટી ઇન્ચાર્જ અજીતસિંહ જાડેજાની આગેવાનીમાં ટીમ કામે લાગી ગઇ હતી અને મોબાઇલ ચોર ઓપીડીમાંથી બહાર નીકળી જાય એ પહેલા દબોચી લીધો હતો. દર્દીના સગાઓએ આગવી પુછતાછ કરતાં આ શખ્સ પીલુડા પાળવા માંડ્યો હતો. મોબાઇલ પાછો મળી ગયો હોઇ દર્દીના સગાએ ફરિયાદ નોંધાવવાની ના પાડતાં આ શખ્સને જવામાં દેવામાં આવ્યો હતો. તે થોરાળા વિસ્તારનો હોવાનું અને પોતાનું નામ રમેશ હોવાનું કહેતો હતો. 

(3:26 pm IST)