રાજકોટ
News of Wednesday, 5th August 2020

ખાટલા પરથી પટકાતાં ૧૦ માસના બાળક પ્રિતમના પ્રાણ નીકળી ગયા

યોગી દર્શન સોસાયટીમાં નેપાળી દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૫: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ યોગી દર્શન સોસાયટી-૧માં રહેતાં અને ત્યાં  ચોકીદારી કરતાં નેપાળી દંપતિનો ૧૦ માસનો પુત્ર ખાટલામાંથી પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વિષ્ણુ ભલુ નામનો નેપાળી યુવાન યોગી દર્શન સોસાયટીમાં રહે છે અને ચોકીદારી કરે છે. ગત સાંજે તેની પત્નિ નિર્મલાએ પુત્ર પ્રિતમ (ઉ.૯ માસ)ને ખાટલા પર સુવાડાવ્યો હતો. અહિથી તે અકસ્માતે પડી જતાં બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

સ્વાતિ પાર્કના અરવિંદભાઇ પટેલનું બેભાન હાલતમાં મોત

કોઠારીયા ન્યુ સ્વાતિ પાર્ક બી-૩માં રહેતાં અરવિંદભાઇ બેચરભાઇ અમીપરા (ઉ.વ.૪૫) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં તથા હાર્ડવેરનો ધંધો કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

નવાગામમાં ૧૩ વર્ષના સુમિત ચાવડાનું આંચકી ઉપડ્યા બાદ મોત

નવગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતો સુમિત નરસીભાઇ ચાવડા (ઉ.વ.૧૩) ઘરે હતો ત્યારે આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના વી. વી. જાડેજાએ જાણ કરતાં બી-ડિવીઝનના વી. કે. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એક ભાઇ એક બહેનમાં નાનો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:44 pm IST)