રાજકોટ
News of Wednesday, 5th August 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ભાગેલો ગોંડલ જેલનો કેદી પકડાઇ ગયોઃ ત્યાં બર્ન્સ વોર્ડ પાસેના પ્રિઝનર વોર્ડના સંડાસમાંથી હત્યાના ગુનાનો કેદી સુરેશ ભાગી ગયો

પોપટપરા જેલમાં કાચ ખાઇ જતાં ત્યાંથી સારવાર માટે ખસેડાયો'તોઃ ૨૦૧૬માં પણ ભાગ્યો હતો

રાજકોટ તા.૫: ગોંડલ સબ જેલમાંથી કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી હરિગીરી ગોસ્વામી  (ઉ.વ.૫૧) સોમવારે વહેલી સવારે કોવિડ સેન્ટરમાંથી ભાગી જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ૩૧મીએ ગોડલ સબ જેલમાંથી આ કેદીને કોરોનાની શંકા સાથે રાજકોટ ખસેડાયો હતો. અહિ રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલો હતો. ચોથા માળે તે સારવારમાં હોઇ ત્યાંથી સોમવારે વહેલી સવારે છનનન થઇ ગયો હતો. નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટ કુવાડવા પોલીસ મથકના ચોરીના ગુનાના બે આરોપી કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભાગી ગયા હતાં. તેનો કોઇ પત્તો નથી ત્યાં વધુ એક કેદી ભાગી ગયો હતો હતો. ગોંડલનો કેદી ગત સાંજે પકડાઇ જતાં ફરીથી કોવિડની સારવારમાં દાખલ કરાયો છે.

બીજી તરફ રાજકોટ જેલમાં રખાયેલો લીલીયાના છલડી ગામનો હત્યાનો ગુનાનો પાકા કામનો કેદી સંજય ધનજીભાઇ મકવાણા જેલમાંથી સારવાર માટે સિવિલમાં ખસેડાયો હોઇ અહિ બર્ન્સ વોર્ડ પાસેના પ્રિઝનર વોર્ડના સંડાસમાંથી ઉપરના ભાગે આવેલી બારીમાંથી રાતે ભાગી જતાં દોડધામ મચી ગઇ છે. વર્ષ ૨૦૧૬માં પણ આ કેદી ભાગી ગયો હતો. સંજય પાકા કામનો કેદી છે તેને શોધવા પોલીસે દોડધામ શરૂ કરી છે.

આ બારામાં પ્ર.નગર પોલીસ મથકમાં હેડકવાર્ટરના કોન્સ. જલાભાઇ માણસુરભાઇ ધગલની ફરિયાદ પરથી પોપટપરા જેલમાંથી સિવિલમાં લાવવામાં આવેલા કેદી સુરેશ ધનજી મકવાણા વિરૂધ્ધ આઇપીસી૨૨૪ મુજબ ગુનો નોંધાયો છે. કોન્સ. જલાભાઇએ જણાવ્યું છે કે તા. ૪/૮ના સાંજના ૮ થી ૫/૮ના સવારના ૮ સુધી મારી ડ્યુટી સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ પાસે આવેલા પ્રિઝન વોર્ડમાં બિમાર કેદીઓના ગાર્ડ તરીકેની હતી. પ્રિઝન વોર્ડમાં ત્રણ દર્દી રખાયા હતાં. જેમાં સુરેશ મકવાણા મુળ લીલીયાના છલડી ગામનો વતની છે અને પાકા કામનો કેદી છે. તે જેલમાં ટ્યુબ લાઇટના કાચ ખાઇ ગયો હોવાથી તેેને પોપટપરા જેલમાંથી અહિ સારવારમાં રખાયો હતો. તે રાત્રીના સાડા નવેક વાગ્યે પ્રિઝન વોર્ડના સંડાસમાં ગયો હતો. તેણે સ્ટોપર અંદરથી બંધ કરી હતી. બહાર આવવામાં વાર લાગતાં મેં દરવાજો ખખડાવતાં નહિ ખોલતાં બાજુના બાથરૂમની દિવાલ ખુલ્લી હોઇ ત્યાંથી જોતાં સંડાસની અંદર સુરેશ જોવા મળ્યો નહોતો. તપાસ કરતાં સંડાસ રૂમની દિવાલની બારીની લોખંડની જાળી ખેંચી કપડાના લીરા વડે બારી સાથે જાળી લટકતી જોવા મળી હતી. આથી મેં ગાર્ડ ઇન્ચાર્જ રાણાભાઇ, મિલેશભાઇ, રામશીભાઇ સહિતને જાણ કરતાં અમે તપાસ કરી હતી. પરંતુ કયાંય જોવા ન મળતાં હેડકવાર્ટર પીઆઇને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ કે.વી. માલવીયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં સુરેશ જ્યાંથી ભાગ્યો એ સંડાસની બહારની સાઇડનો બારીનો ભાગ જોઇ શકાય છે.

(4:12 pm IST)