રાજકોટ
News of Tuesday, 5th July 2022

સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર -પંચાયત નગરમાં ડિમોલિશન : પાંચ બાંધકામોનો કડુસલો

મનપાનું બુલડોઝર ધણધણ્‍યુ : યુનિ. રોડ વિસ્‍તારમાં માર્જીંનના ભાગમાં ખડકાયેલ રવેશ તથા ૪ દુકાનો તોડી પાડવામાં આવી : વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા.૫ : શહેરના પોશ વિસ્‍તાર એવા સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર અને પંચાયત નગરમાં મનપાની વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા માર્જીંનની જગ્‍યામાં ખડકાયેલ રવેશ અને ૪ દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્‍યું હતું.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુ. કમિશનર અમિત અરોરાની સુચના તથા ટાઉન પ્‍લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મનપાની ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા આજે સવારે વોર્ડનં. ૧૦માં થયેલ ગેરકાયદેસર દબાણ, બાંધકામ દુર કરવા ડિમોલિશન કરવામાં આવ્‍યું હતું. જેમાં જીજ્ઞેશભાઇ ગણાત્રા-સૌરાષ્‍ટ્રકલા કેન્‍દ્ર શેરીનં. ૧૦માં માર્જીંનના ભાગમાં પોર્ચ તેમજ ઉદયભાઇ ગાંધી- યુનિ. રોડ પર આવેલ પંચાયત નગર શેરીનં. ૨ના ખુણે  માર્જીંનમાં ૪ દુકાનોનો સમાવેશ થાય છે.

આ ડિમોલિશનમાં વેસ્‍ટ ઝોનના એટીપી એમ.આર. મકવાણા, અજય એમ. વેગડ તથા જગ્‍યા રોકાણ શાખા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજીલન્‍સના પોલીસ કર્મચારીઓ સાથે રહ્યા હતા.

(3:49 pm IST)