રાજકોટ
News of Sunday, 5th July 2020

રાજય સરકારના નિયમનો ઉલાળીયો કરનાર મોદી સ્કુલને રૂ.૨ લાખનો દંડ

લોકડાઉનમાં શાળાઓ જાહેરનામાનો ભંગ, નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો સહિતની બાબતોમાં થયેલી તપાસ સાબિત થતા રૂ. બે લાખનો દંડ ફટકારતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય : મોદી સ્કુલ સરેન્ડર : રૂ. ૨ લાખનો દંડ પણ ચૂકવી આપ્યો

રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની મોદી સ્કુલ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદમાં સપડાઈ હતી. રાજય સરકારના નિયમોનો સરેઆમ ભંગ કરી પોતાની મનમાની કરતાં હોય વાલી તેમજ વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી હતી.

શહેરની મોદી સ્કુલ દ્વારા સરકારના જાહેરનામાનો ભંગ તેમજ નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, ફીનું માળખુનો ભંગ કરવો સહિત અનેક બાબતો અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ ઉપાધ્યાયને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી. જેનો તપાસનીશ અધિકારીએ વિસ્તૃત ઉંડાણથી તપાસ કરતાં ગેરરીતિ માલૂમ પડેલ.

મોદી સ્કુલમાં ચાલતી ગેરરીતિ અને રાજય સરકારના નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો હોય રૂ.૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજય સરકારના કડક વલણ સામે મોદી સ્કુલના સંચાલકો જાણે સરેન્ડર થયા હોય તેમ તુરંત ૨ લાખ રૂપિયાનો દંડ ભરી દીધો હતો.

વગદારોની સ્કુલ ગણાતી મોદી સ્કુલ સામે રાજય સરકારે લાલ આંખ કરતાં ખાનગી શાળાના સંચાલકોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

(2:37 pm IST)