રાજકોટ
News of Thursday, 5th July 2018

બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કરનાર શખ્સ અગાઉ છેડતીમાં સંડોવાયાની શંકાએ તપાસ

૮૦ ફુટ રોડ પર સત્યમ્ પાર્કમાં ટોળાએ જેને ખોખરો કર્યો એ સાચ્ચે જ બાળાને ઉઠાવી જવા આવ્યો'તોઃ દેવીપૂજક પરિવારની બાળાને લઇ જતો હોઇ મંદિરના પૂજારી જોઇ જતાં ટોળાએ પકડીને બેફામ ઢીબ્યોઃ થોરાળા પોલીસે ધરપકડ કરીઃ અફવાઓથી દૂર રહેવા, કાયદો હાથમાં ન લેવા ડીસીપી મીના-એસીપી રાઠોડની અપિલ

રાજકોટ તા. ૫: એંસી ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ સામે આવેલા સત્યમ્ પાર્ક પાસે ગેલમા માતાજીના મંદિર નજીક રહેતી ત્રણ વર્ષની દેવીપૂજક બાળાને તેના ઘર નજીકથી એક શખ્સે ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં મંદિરના પૂજારી જોઇ જતાં દેકારો મચાી ગયો હતો અને લોકોએ અપહરણ કરવા આવેલા શખ્સને દબોચી લઇ બેફામ રીતે ઢીબી નાંખ્યો હતો. પ્રારંભે તો અપહરણકાર સમજીને ટોળાએ ધોલધપાટ કર્યાનું બહાર આવ્યું હતું, પણ બાદમાં દેવીપૂજક મહિલાએ પોતાની બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ થયાનું કહેતાં પોલીસને તેની ફરિયાદ નોંધી છોટાઉદેપુરના આ શખ્સ સામે કાર્યવાહી કરી છે. દુષ્કર્મના ઇરાદે આ શખ્સે આવું કર્યાની શંકાએ વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસે સાધનાબેન ચમન સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી ચીલીયા મનુભાઇ રાઠવા (ઉ.૩૦-રહે. રંગપુર, તા. મોટી સડલી છોટા ઉદેપુર, હાલ વાવડી ફાલ્કન ફેકટરી પાસે) વિરૂધ્ધ આઇપીસી ૩૬૩ મુજબ સાધનાબેનની ૩ વર્ષની દિકરી અંજલીનું અપહરણ કરતાં પકડાઇ જવા અંગે ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સ ઘણા સમયથી વાવડી રહી મજૂરી કરતો હોવાનું અને અગાઉ તેના વતનમાં છેડતી મામલે પકડાયાનું તે રટણ કરતો હોઇ ખરાઇ કરવા તજવીજ થઇ રહી છે. આ શખ્સે પોતે બુધવારે કારખાનામાં રજા હોઇ આટો મારવા આવ્યાનું રટણ કર્યુ હતું અને કોઇનું અપહરણ નહિ કર્યાનું પણ કહ્યું હતું. જો કે ટોળાએ તેને બેફામ રીતે માર મારતાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાંથી રજા અપાતાં થોરાળા પોલીસે સકંજામાં લઇ તપાસ આદરી છે.

સાધનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. પતિ ચમન ગાંડુ હાલ જેલમાં છે. પોતે કોર્ટના કામે ગઇકાલે બપોર બાદ ઘરેથી નીકળી હતી. પાછળથી તેના માતાએ ફોન કરીને કહેલ કે તારી દિકરીને એક શખ્સ ઉપાડી જતો હતો જેને મંદિરના પૂજારી જોઇ જતાં બીજા લોકોની મદદથી પકડી લીધો છે. આ વાત થતાં પોતે તુરત જ કોર્ટથી ઘરે આવી ગઇ હતી. આ વખતે ખબર પડી હતી કે તેની દિકરીને ઉઠાવી જનારા શખ્સને ટોળાએ માર માર્યો છે અને એ શખ્સનું નામ ચીલીયા રાઠવા છે. આ શખ્સને ૧૦૮ મારફત હોસ્પિટલે લઇ જવાયો હતો.

પી.આઇ. એસ. એન. ગડુ, રાઇટર અજીતભાઇ, ભરતસિંહ, ડી. સ્ટાફના નિશાંતભાઇ, મહેશભાઇ, રોહિતભાઇ, વિજયભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. આ શખ્સ અગાઉ છેડતીમાં સંડોવાયાની ચર્ચાએ તે અંગે ખરાઇ કરવા વિશેષ તપાસ થઇ રહી છે.

ડીસીપી શ્રી બલરામ મીના અને એસીપી બી. બી. રાઠોડે જણાવ્યું હતું કે બાળકોને ઉઠાવી જતી ગેંગ કાર્યરત છે એ પ્રકારની અફવાઓ ખુબ ફેલાયેલી છે. ત્યારે શહેરમાં આવી કોઇ જ ગેંગ કાર્યરત હોવાનું ધ્યાને આવ્યું નથી. લોકોએ અફવાઓથી દુર રહેવું અને જો કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો કાયદો હાથમાં ન લઇ તુર્ત જ પોલીસને જાણ કરવી જરૂરી છે.

અજાણ્યા ટોળા સામે પણ ગુનો

દરમિયાન ગઇ કાલે શકમંદ શખ્સ ચીલીયાને પકડીને ટોળાએ બેફામ માર માર્યો હોઇ અજાણ્યા ટોળા સામે પણ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે. (૧૪.૧૨)

(5:13 pm IST)