રાજકોટ
News of Tuesday, 5th June 2018

પ્રાથમિક શાળાઓનો સમય જેમ છે તેમ જ રાખો : શિક્ષક સંઘની રજુઆત

બદલવો જ પડે તેમ હોય તો સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ નો કરી આપવા સુચન : કાળઝાળ ગરમી ધ્યાને લઇ વેકશન લંબાવવા માંગ ઉઠાવતા રતુભાઇ ચાવડા

રાજકોટ તા. ૫ : સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારના ૭ થી ૧ નો  અથવા ૮ થી ૨ નો કરવા તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે આ સામે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રતુભાઇ ચાવડાએ નારાજગી વ્યકત કરી જેમ છે તેમ જ સમય રાખવા શિક્ષણ વિભાગને રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે હાલ બપોરે ૧૧ થી પ નો સમય છે તે બધાને અનુકુળ છે. જો સવારનો સમય કરવામાં આવશે તો સરકારી શાળાઓના બાળકોને મોટી અગવડતા ભોગવવી પડશે. કેમ કે આવી શાળાઓમાં આવનાર મોટાભાગના બાળકો ગરીબ મજુર વર્ગના હોય છે. વાડી વિસ્તારમાં કામ કરતા વાલીઓના બાળકો વહેલી સવારે કઇ રીતે શાળાએ પહોંચી શકશે. સવારની શાળા કરવાથી હાજરીમાં ધરખમ ઘટાડો આવી જવાની પુરતી સંભાવના રહેશે.

એજ રીતે પ્રાથમિક શિક્ષક તરીકે હાલ ૬૫% બહેનો ફરજ બજાવે છે. બહેનોને ઘરકામની જવાબદારી પણ નિભાવવાની હોય છે. એટલે તેઓને પણ સવારનો સમય અનુકુળ આવી શકે તેમ નથી.

 તેમ છતા જો સવારનો સમય કરવો જ પડે તેમ હોય તો ૭ થી ૧ ના બદલે ૭.૩૦ થી ૧૨.૩૦ નો કરવા રતુભાઇ ચાવડાએ સુચન કરેલ છે.

ઉપરાંત તેઓએ ગરમીના દિવસોને ધ્યાનમાં લઇ એક સપ્તાહ વેકેશન લંબાવવા પણ રજુઆત કરી છે. દર વર્ષે ઉનાળામાં વેકેશન કેમ્પ કરવામાં આવે છે તે આ વખતે ન થયો હોવાનું પણ જણાવેલ છે. સાતમાં પગાર પંચ મુજબ ભાડા ભથ્થા અનન્ય ભથ્થાઓ અઢી વર્ષ થયા મળ્યા ન હોય તે બાબતે પણ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રતુભાઇ ચાવડા (મો.૯૪૨૬૪ ૮૦૦૬૮) એ ધ્યાન દોરેલ છે. (૧૬.૫)

(3:56 pm IST)