રાજકોટ
News of Tuesday, 5th June 2018

રૈયા ખુન કેસના આરોપીને વચગાળાના જામીન પર છોડવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. પઃ રૈયા ખુન કેસના આરોપીના વચ્ચગાળાની જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટ મંજુર કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગત તા. ૧૦/૦ર/૧૭ના રોજ રૈયા વિસ્તારના રામેશ્વર ડેરીની બાજુમાં શીવ ઓટો ગેરેજ પાસે નિતીન ગોરધનભાઇ દોમડીયા નામના શખ્શ ઇજાગ્રસ્ત થયેલ. સારવાર દરમ્યાન ૦૩/૦૩/૧૭ના રોજ અવસાન પામેલ. તે બનાવ અનુસંધભાને મરણ જનાર નિતીનના પિતાશ્રી ગલોરધનભાઇ દોમડીયાએ સૌ પ્રથમ ગાંધીગ્રામ પો. સ્ટે. હેઠળના યુનીવર્સિટી પોલીસ ચોકીમાં ફરીયાદ નોંધાવી ફ્રેન્કલીન, ગીલ્બર્ટ, જુલીયસ તથા રવિભાઇ ગેરેજવાળા વગેરે સામે શંકા દર્શાવી ફરીયાદ નોંધાવેલ.

ઉપરોકત ફરીયઇાદ મુજબ મરણ જનાર નિતીનભાઇને ગેરેજ આગળ ગાળો બોલવા બાબતે બોલાચાલી થતા ઉપરોકત ઉલ્લેખેલ ચારેય આરોપી સાથે મારામારી થયેલ અને ત્યારબાદ આરોપી ઇજાગ્રસ્ત થતા યુનીવર્સીટી પોલીસ ચોકીમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ. જે ફરીયાદ નોંધાયા બાદ સારવાર દરમ્યાન ભોગ બનનારનું અવસાન થતા પોલીસ દ્વારા ખુન બાબતેની કલમો ઉમેરવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદ અન્વયે ચાર્જશીટ રજુ કરેલ.

ઉપરોકત ઉલ્લેખેલ કેસ અનુસંધાને આરોપીઓમાંથી જેલહવાલે રહેલ ફ્રેન્કલીન ઇમાનુએલ જોગીયાએ રાજકોટ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી દાદ માંગેલ કે, તેમના સંતાનોના અભ્યાસ માટે ફી ની વ્યવસ્થા કરી, સંતાનોને સ્કૂલમાં એડમીશન અપાવવાના હોય, ૩૦ દિવસ માટે જામીનમુકત કરવા દાદ માંગેલ. જે રાજકોટ કોર્ટે નામંજુર કરેલ.

રાજકોટ કોર્ટના હુકમ સામે ફ્રેન્કલીન જોગીયાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે રજુઆત કરતા, ગુજરાત હાઇકોર્ટે અરજીની વિગતો અને સંજોગો ધ્યાનમાં લઇ હુકમ ફરમાવેલ છે કે, અરજદારને બે અઠવાડીયા માટે જામીન મુકત કરવામાં આવે છે. અને અરજદારે રૂ. પ૦૦૦/- ના જામીન તથા તેટલા જ બોન્ડ આપ્યેથી જામીન મુકત કરવા તેમજ અઠવાડીયામાં એકવાર ગાંધીગ્રામ હેઠળના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવી તેમજ આરોપી જામીનનો સમય પુરો થયે જેલમાં હાજર થશે તે પ્રમાણે શરતોને આધીન જામીન આપવાનો આદેશ કરાયેલ છે.

આ કામમાં ફ્રેન્કલીન જોગીયા વતી હાઇકોર્ટમાં વિલવ ભાટીયા તથા રાજકોટમાં વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર. સોંદરવા એડવોકેટ દરજજે રોકાયેલા છે. (૭.૧૮)

(3:54 pm IST)