રાજકોટ
News of Tuesday, 5th June 2018

રીલાયન્સ માર્કેટ (શોપીંગ મોલ) ને ભારે પડી ગયુઃ રૂ. પાંચ હજાર ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

એમ. આર. પી. કરતા ૪ રૂપિયા ૧પ પૈસા વધારે લેતા... : અરજી ખર્ચના રૂ. ત્રણ હજાર અલગથી ચુકવવાનો આદેશ

રાજકોટ તા. પ :.. રાજકોટ ખાતે આવેલ રીલાયન્સ માર્કેટ (શોપીંગ મોલ) ને પતંજલી એલોવેરા જેલની બોટલના એમઆરપી કરતાં રૂ. ૪.૧પ વધારે વસુલ કરવાનું ભારે પડી ગયું હતું.

બનાવની વિગતવાર હકિકત જોતાં કૌશીક ઇશ્વરભાઇ માણાવદરીયા, રહે. રાજકોટવાળાએ રીલાયન્સ માર્કેટ (શોપીંગ મોલ), રાજકોટ ખાતેથી પતંજલી કંપની દ્વારા ઉત્પાદીત એલેવેરા જેલની ૧પ૦ એમ. એલ. ની બોટલ ખરીદ કરવામાં આવેલ. સદરહું એલોવેરા જેલની બોટલની એમઆરપી રૂ. ૮૦ હોવા છતાં રીલાયન્સ માર્કેટ દ્વારા તેમની પાસેથી રૂ. ૮૪.૧પ વસુલ કરવામાં આવેલ અને રૂ. ૦.૮પ ડીસ્કાઉન્ટ આપવામાં આવેલ હોવાનું જણાવેલ તથા તે મુજબનું બીલ આપવામાં આવેલ હોવાનું જણાવેલ તથા તે મુજબનું બીલ આપવામાં આવેલ. જેથી કૌશીક ઇશ્વરભાઇ માણાવદરીયાએ રાજકોટના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ રીલાયન્સ માર્કેટ તથા રીલાયન્સ રીટેઇલ લી. વિરૂધ્ધ અનફેર ટ્રેડ પ્રેકટીસ વિગેરે બાબતે ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

સદરહું ફરીયાદનું  કામ મહે. જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ચાલી જતાં બન્ને પક્ષોના પુરાવા તથા દસ્તાવેજોને ધ્યાને લઇ તથા દલીલો સાંભળી સામાવાળાએ ફરીયાદીને અનફેર ટ્રેડ પ્રેકટીસના રૂ. પ,૦૦૦ (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) હુકમની તારીખથી ત્રીસ દિવસમાં ચુકવી આપવા તથા વિશેષમાં સામાવાળાએ ફરીયાદી પાસેથી વધુ લીધેલ રકમ રૂ. ૪.૧પ ફરીયાદીને અરજી દાખલ થયાની તારીખથી રકમ વસુલ થતાં સુધી વાર્ષિક સાત ટકાના ચડત વ્યાજ સાથે ચુકવી આપવા તથા અરજી ખર્ચના રૂ. ૩,૦૦૦ (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) ચુકવી આપવા હુકમ ફરમાવવામાં આવેલ છે. રાજકોટના જીલ્લા ગ્રાહક નિવારણ ફોરમના આવા સીમાચીન્હ રૂપ ચુકાદાથી વેપારી જગતમાં ચકચાર મચી ગયેલ છે.

સદરહું કેસમાં ફરીયાદી કૌશીક ઇશ્વરભાઇ માણાવદરીયા વતી એડવોકેટ ડેનીષ એ. સીણોજીયા રોકાયેલ હતાં અને જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ સફળ રજૂઆતો કરી હતી. (પ-રર)

(3:54 pm IST)