રાજકોટ
News of Tuesday, 5th June 2018

નોનવેજની લારીઓ-દુકાનોના કારણે રહેવાસીઓ ત્રાહિમામ

તળાવ ફરતે ૩૦ લારીઓઃ રાજકોટમાં પણ મોટું દૂષણ

રાજકોટ તા. પ :...  અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં તળાવ, મોલ અને અન્ય આકર્ષણોના કારણે સંખ્યાબંધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ખૂલી છે. તેમાં પણ તળાવની ફરતે ઉભતી લારીઓમાં ઇંડાની લારીઓનું પ્રમાણ છેલ્લા એક વર્ષમાં ખૂબ વધ્યું છે. તળાવ ફરતે લગભગ ત્રીસ જેટલી ઇંડાની લારીઓ ઉભે છે. ઉપરાંત આસપાસના કોમ્પ્લેક્ષમાં પણ નોનવેજ પીરસતા રેસ્ટોરન્ટ છે. આ લારીઓ અને રેસ્ટોરન્ટ વધેલી ખાદ્ય સામગ્રી તેમજ રસોડાના કચરાનો વ્યવસ્થિત નિકાલ ન કરતા હોવાની આ વિસ્તારના રહેવાસીઓની ફરીયાદ હોવાનું પ્રસિધ્ધ થયું છે.

આ લારીઓ અને રેસ્ટોરન્ટમાં થતા વઘાર અને રસોઇની દુર્ગંધના કારણે આસપાસના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે રોડ પરના બારી-દરવાજા ખોલવા મુશ્કેલ બન્યું છે. લારીઓ જે ફુટપાથ પર ઉભી રહે છે ત્યાં યોગ્ય સફાઇ ન કરવામાં આવતી હોવાતી ફુટપાથ પર પણ દુર્ગંધ આવતી રહે છે. અહીંના દરેક કોમ્પ્લેક્ષમાં નોનવેજ પીરસતી ઓછામાં ઓછી એક દુકાન જોવા મળશે. એંઠવાડ અને વધેલી ખાદ્ય સામગ્રી ગમે ત્યાં ફેંકવામાં આવી હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ આ સામગ્રીના ટૂકડા લઇ કોઇપણ બાલ્કની કે અગાસીમાં જઇ ચડે છે. કેટલાંક કિસ્સાઓમાં આ લારીઓ પર આવતા અમુક ગ્રાહકો નશામાં હોવાથી પાર્કીંગ જેવી બાબતે સ્થાનીકો કે અન્ય વાહન ચાલકો સાથે બોલાચાલી થાય તેવા કિસ્સાઓ પણ બનતા રહે છે. સ્થાનીકો આ બાબતે લારી માલિકો અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરતા રહે છે. પરંતુ તેમની રજૂઆતો ગંભીરતાથી ધ્યાને લેવાતી નથી. રાજકોટની મધ્યે છેલ્લા ર વર્ષથી રાજકુમાર કોલેજ પાછળના સ્કુલના રસ્તે બપોર પછી આ જ સ્થિતિ સર્જાય છે. સ્થાનીક કેટલાક વગદાર રાજકારણીઓના આશિર્વાદ હોવાની પણ ચર્ચા છે. (પ-૮)

(3:53 pm IST)