રાજકોટ
News of Tuesday, 5th June 2018

થોરાળામાં પત્રકાર બળવંત પરમારને દિપક ચાવડા સહિત બે શખ્સે માર મારી ધમકી દીધી

સામા પક્ષે દિપકની પણ પોતાને ખૂનની ધમકી અપાયાની ફરિયાદ કરી

રાજકોટ તા. ૫: નવા થોરાળા ન્યુ સર્વોદય સોસાયટી-૭માં રહેતાં અને પત્રકાર તરીકે નોકરી કરતાં બળવંત વાલજીભાઇ પરમાર (ઉ.૪૨)ને થોરાળા વિસ્તારના જ ગોકુલપરા-૫માં રહેતાં દિપક આનંદભાઇ ચાવડા અને તેની સાથેના અજાણ્યા શખ્સે ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે દિપકે પણ બળવંત સામે ફરિયાદ કરી છે.

બળવંત પરમારે એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે સોમવારે રાત્રે સવા અગિયારેક વાગ્યે શાળા નં. ૨૯ના ખુણે પાનની દૂકાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે ગોકુળપરામાં રહેતો દિપક ચાવડા ત્યાંથી અજાણ્યા શખ્સ સાથે બાઇકમાં નીકળ્યો હતો અને તેની સામે જોઇ ભુંડી ગાળો બોલતો ગયો હતો. બાદમાં પોતે ફાકી ખાઇ આગળ જતાં ત્યાં દિપક ઉભો હોઇ તેને 'તું મને શા માટે ગાળો દે છે? તને શું તકલીફ છે?' તેમ પુછતાં દિપકે 'તું પત્રકાર થઇને સમાજના પૈસા ખાઇ જાય છે' તેવો આરોપ મુકતાં પોતે કોઇના પૈસા ખાધા નથી, પ્રેમજીભાઇ પરમારને પુછી લેજે તેમ જણવતાં દિપક અને સાથેના શખ્સે ઢીકા-પાટુનો માર મારી છરીના ઘા મારી દેવાની ધમકી આપી હતી.

ત્યાં કોૈટુંબીક ભાઇ કમલેશભાઇ આવી જતાં તે બચાવવા વચ્ચે પડ્યા હતાં. થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. ગઢવીએ દિપકની ધરપકડ કરી છે.  સામા પક્ષે દિપક ચાવડાએ પણ બળવંત પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે તું કેમ ગાળો બોલે છે? તેમ કહી ઝપાઝપી કરી પોતાને અને સાહેદને મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

(3:39 pm IST)