રાજકોટ
News of Tuesday, 5th June 2018

ટી.પી. સ્કીમનાં વાંધા સૂચનો

રૈયા સ્માર્ટ સીટીમાં ૨૦૦ ફુટનો રોડ - સ્પોર્ટસ એરેના

રાજ્યભરમાં રોલમોડલ ટી.પી. સ્કીમનું આયોજન : ૧૫ લાખ ચો.મી. જમીન તંત્રને મળશે : ૬૩ જેટલા અસરગ્રસ્ત જમીનમાલીકો સાથે ટી.પી.ઓ સહિતના અધિકારીઓની બેઠક સંપન્ન

રૈયા સ્માર્ટ સીટીથી ટી.પી. સ્કીમ નં. ૩૨ માટે ખેડૂતો પાસેથી વાંધાસુચનો અંગે બેઠક યોજાઇ તે વખતની તસ્વીરમાં ટી.પી.ઓ. શ્રી સાગઠિયા, શ્રી ગોહેલ, ચિરાગ પંડયા સહિતના અધિકારીઓ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : મ્યુ. કોર્પોરેશન દ્વારા રૈયામાં સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરાયો છે. આ માટે રૈયા ટી.પી. સ્કીમ નં. ૩૨ની ખાસ રચના કરી અને તેના વાંધા સુચનો માંગવા માટે આજે વેસ્ટ ઝોન કચેરીએ ટી.પી. સ્કીમના અસરગ્રસ્ત-૬૩ જેટલા જમીન માલિકો સાથે ટી.પી.ઓ સહિતના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મોટાભાગે કોઇએ મોટા વાંધા રજૂ નહી કરતા આ ખાસ સ્માર્ટ સીટી ટીપી સ્કીમની અમલવારી ઝડપી થશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યું હતું.

કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે, આ ટી.પી. સ્કીમમાં તંત્રને કુલ ૧૫ લાખ ચો.મી. જેટલી જમીન મળશે. જેમાં રાજ્યભરમાં રોલમોડલ કહી શકાય તેવી ટી.પી. સ્કીમનું નિર્માણ કરાયું છે. કેમકે આ સ્કીમમાં મુખ્ય રોડ ૨૦૦ ફુટ પહોળો બનશે. જ્યારે અન્ય રસ્તાઓ પણ ૬૦, ૪૫, ૪૦, ૩૬, ૩૪ અને ૧૮ મીટર પહોળા બનાવાશે.

આ સ્કીમમાં સ્માર્ટ સીટીનું ખાસ સ્પોર્ટસ એરેના, કન્વેન્શન સેન્ટર ઉપરાંત ગ્રીન ફિલ્ડ, ડ્રેનેજ, પાણી, ગેસ સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટ માટે ખાસ જોગવાઇઓ છે.

આમ આ ટી.પી. સ્કીમ રાજ્યભરમાં રોલ મોડલ તરીકે હશે તેમ શ્રી પાનીએ જણાવ્યું હતું.

(3:32 pm IST)