રાજકોટ
News of Tuesday, 5th June 2018

મોટા મવાના વૃધ્ધ રાજેન્દ્રભાઇ વ્યાસ અને બે દિકરાને પતાવી દેવાની ધમકી

વૃધ્ધની પુત્રવધૂ કણકોટ રિસામણે હોઇ તેડવા જતાં વાજડીના કલ્પેશ ડાંગરે અહિ આવવું નહિ કરી ટાંટીયા ભાંગી નાંખવાની-મારી નાંખવાની ધમકી દીધી

રાજકોટ તા. ૫: મોટા મવા કેદાર બંગલા સામે સમન્વય પાર્ક બ્લોક નં. ૬માં રહેતાં રાજેન્દ્રભાઇ શંકરભાઇ વ્યાસ (ઉ.૭૫) નામના બ્રાહ્મણ કણકોટ પોતાની પુત્રવધૂને તેડવા માટે બે પુત્રોને સાથે લઇને જતાં આ વાજડીના કલ્પેશ ડાંગરે ત્યાં આવી 'તમારે કણકોટ આવવું નહિ' તેમ કહી ગાળો દઇ ટાંટીયા ભાંગી નાંખી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

તાલુકા પોલીસે રાજેન્દ્રભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજેન્દ્રભાઇના કહેવા મુજબ તેના દિકરા જીજ્ઞેશે પંદર વર્ષ પહેલા કણકોટ આવાસ કવાર્ટરમાં રહેતાં જેન્તીભાઇ પ્રજાપતિ દક્ષાની દિકરી સાથે લગ્ન કર્યા છે. જે તે વખતે કલ્પેશ ડાંગર ઘરે આવતો જતો હોઇ દક્ષાએ કલ્પેશ માટે ઘરે જમવાનું બનાવવાની પતિ જીજ્ઞેશને વાત કરતાં તેણે ના પાડતાં તેણી માવતરે જતી રહી હતી. ગત ૭મીએ રાજેન્દ્રભાઇ, તેનો પુત્ર જીજ્ઞેશ અને બીજો પુત્ર ઋષીરાજ દક્ષાને સમજાવવા અને તેડવા માટે કણકોટ તેણીના ઘરે જતાં ત્યાં કલ્પેશ ડાંગર આવી ગયો હતો અને તમારે અહિ આવવું નહિ કહી ગાળો દઇ ટાંટીયા ભાંગી નાંખવાની અને મારી નાંખવાની ધમકી આપી હતી. એએસઆઇ ડી. વી. ખાંભલાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)