રાજકોટ
News of Tuesday, 5th June 2018

કાલાવડ રોડ પરના વોટર ફિલ્ટર પ્લાન્ટના સંચાલક પર ચાર ભરવાડ શખ્સો તૂટી પડ્યા

અશોકભાઇ જોષીએ પોતાના લેણા નીકળતાં પાણીના હિસાબના પૈસા સંજય ભરવાડ પાસે માંગતા બીજા ત્રણ જણા સાથે આવી લાકડી-પાઇપથી હુમલો કર્યો

રાજકોટ તા. ૫: કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ધરાવતાં બ્રાહ્મણ યુવાને પાણીના હિસાબના પૈસા રિક્ષા ચાલક ભરવાડ શખ્સ પાસે માંગતા તેણે ઉશ્કેરાઇ જઇ બીજા ત્રણ શખ્સો સાથે મળી બ્રાહ્મણ યુવાનને લાકડી-પાઇપથી માર મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

પોલીસે સત્ય સાઇ માર્ગ પર પરિમલ સ્કૂલ પાછળ જય પાર્કમાં આશીર્વાદ નામના મકાનમાં રહેતાં અને મટુકી રેસ્ટોરન્ટ પાછળ ગણેશ વોટર પ્લાન્ટ નામે ધંધો કરતાં અશોકભાઇ જયંતિભાઇ જોષી (ઉ.૩૬)ની ફરિયાદ પરથી સંજય ભરવાડ, લક્ષમણ ભરવાડ, ટીનો ભરવાડ અને સંજય ભરવાડના ભાઇ સામે ગુનો નોંધ્યો છે.

અશોકભાઇના કહેવા મુજબ ચારેક મહિના પહેલા તેના પ્લાન્ટ પરથી સંજય ભરવાડ રિક્ષામાં પાણી લઇ જતો હતો ગ્રાહકોને પહોંચાડી કમિશન ઉપર કામ કરતો હતો. પણ ગ્રાહકો તરફથી ફરિયાદ આવતાં તેને આ કામ માંથી છુટો કરી દીધો હતો. તેની પાસેથી પાણીના હિસાબના રૂ. ૧૫ હજાર લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેને ગમ્યું નહોતું.

ગઇકાલે પોતે ગ્રાહક રાજભાઇ પાસે પાણીના ખાલી જગ અને હિસાબના રૂપિયા લેવા જતાં તેણે આ રકમ તેણે સંજય ભરવાડને આપી દીધી છે તેમ કહેલ અને સંજયને પણ આ બાબતે ફોન કર્યો હતો. એ પછી સંજયએ પોતાને ફોન કરી તું કેમ ત્યાં હિસાબ લેવા ગયો, હું આવુ જ છું તારા પ્લાન્ટ ઉપર ત્યાં જ રહેજે તેવી ધમકી આપી હતી. બાદમાં સંજય, તેનો ભાઇ સહિતના ચાર શખ્સો પાઇપ સાથે આવ્યા હતાં અને હુલો કરી ગાળો દઇ માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ એસ. એન. ગામેતીએ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

(12:45 pm IST)