રાજકોટ
News of Tuesday, 5th June 2018

હોમિયોપેથીના બોગસ માર્કશીટ કૌભાંડમાં ડાંગર કોલેજના પ્રિન્સીપાલ જોષી, ટ્રસ્ટી જનક મેતા-દિપક ડાંગરની ધરપકડ

ફરિયાદ સંદર્ભે મળેલા પુરાવાના ક્રોસ વેરિફીકેશનમાં પ્રાથમિક તબક્કે ત્રણેયની સંડોવણી ખુલીઃ બપોર બાદ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ તા. ૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફિલિએટેડ કોલેજોમાં પરપ્રાંતની યુનિવર્સિટીની બોગસ માર્કશીટના આધારે લાખો રૂપિયા ફી વસુલી એડમિશન આપી દેવાના મામલામાં આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બી.એ. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ ડો. અમિતાભ રમેશચંદ્ર જોષી, ટ્રસ્ટી અને ભાજપના અગ્રણીના ભાઇ જનકભાઇ લાભુભાઇ મેતા તથા અન્ય ટ્રસ્ટી દિપક બચુભાઇ ડાંગરની ધરપકડ કરી છે.

તપાસનીશ પીએસઆઇ સિસોદીયાએ આ બારામાં વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ મેળવેલા પુરાવાઓના ક્રોસ વેરિફીકેશન દરમિયાન પ્રાથમિક તબક્કે ત્રણેયની સંડોવણી જણાતાં ધરપકડ કરી લેવામાં આવી છે. આજે બપોર બાદ રિમાન્ડના મુદ્દા તારવી કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં ૫૬ જેટલા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથીના ૫ ટકા એડમિશનના રેસિયો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજોમાં એડમિશન મેળવી લીધા હતાં. આ એડમિશન બોગસ માર્કશીટના આધારે મેળવવામાં આવ્યા હતાં. અમિતાભ જોષી અને દ્વારકાના ડો. કાદરીએ રૂ. ૩.૫૦ લાખ વસુલી છાત્રોને હોમિયોપેથીના પ્રથમ વર્ષની બોગસ માર્કશીટ વેંચી હતી. આ માર્કશીટના આધારે બી. એ. ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ, બી. જી. ગરૈયા મેડિકલ કોલેજ અને અમરેલીની વસંતબેન વ્યાસ મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવ્યા હતાં. પૂર્વ ડીન જોષી સહિત ત્રણની આજે ધરપકડ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાઉન્સીલ ઓફ હોમિયોપેથીએ પ્રાથમિક તપાસ બાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર કિરીટ પાઠક મારફત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસઓજીના પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, મોહિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, જયંતિગીરી, ક્રિપાલસિંહ, યુવરાજસિંહ, ગિરીરાજસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, મેહુલભાઇ ગઢવી, જયવીરભાઇ ગઢવી, હિતેષ પરમાર અને નિર્મળસિંહ ઝાલા સહિતની ટૂકડી ચલાવી રહી છે.

(3:42 pm IST)