રાજકોટ
News of Tuesday, 5th June 2018

નરોત્તમભાઇ અને પડોશી જયંતિભાઇને સાગરે માર મારી ખૂનની ધમકી દીધી

જુના મોરબી રોડ આર. કે. ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં બઘડાટી : સાગર ચાવીથી કારમાં લીટા કરતાં પકડાઇ જતાં ઠપકો આપતાં ઉશ્કેરાઇ ગયો

રાજકોટ તા. ૫: જુના મોરબી રોડ પર  આર. કે. ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં લોહાણા વેપારીની કારમાં આ એપાર્ટમેન્ટમાં જ રહેતાં લોહાણા શખ્સે ચાવીથી લીટા પાડતાં તેને બીજા પાડોશી ભાનુશાળી યુવાને જાણ કરતાં આ શખ્સને ઠપકો આપતાં તેણે બંનેને ઢીકા-પાટુનો માર મારી છરીના ઘોદા મારી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે આર. કે. ડ્રીમલેન્ડ બ્લોક નં. સી-૨૦૩માં રહેતાં બારદાનના વેપારી નરોત્તમભાઇ મંગલદાસ ગણાત્રા (ઉ.૪૭)ની ફરિયાદ પરથી આ એપાર્ટમેન્ટમાં જ બ્લોક નં. ૧૦૪માં રહેતાં સાગર રોહિતભાઇ કાછેલા સામે ગુનો નોંધ્યો છે. સાગરે નરોત્તમભાઇની પાર્કિંગમાં રખાયેલી કારમાં સ્કૂટરની ચાવીથી લીટા કરતાં તેને બીજા પડોશી જયંતિભાઇ ભાનુશાળીના પત્નિ લત્તાબેન જોઇ ગયા હતાં. આ બાબતે જયંતિભાઇએ નરોત્તમભાઇને જાણ કરતાં તેણે સાગરને ઠપકો આપતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને નરોત્તમભાઇ તથા જયંતિભાઇ બંનેને ઢીકા-પાટુનો માર મારી છરીના ઘા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. એએસઆઇ કે. યુ. વાળાએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(12:44 pm IST)