રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોરોનાકાળમાં માતા-પિતાનું છત્ર ગુમાવ્યા બાદ પણ અપેક્ષા મારડિયાની કર્મનિષ્ઠા : દર્દીની સેવા કરી જન્મદિન ઉજવ્યો

રાજકોટ,તા. ૫: કર્મનિષ્ઠ અપેક્ષા મારડીયાએ આજરોજ તેના ૨૧ માં જન્મ દિવસે સમગ્ર સમરસની ટીમ અને દર્દીઓને પરિવાર ગણી જન્મ દિવસને દર્દીઓની સેવામાં સમર્પિત કરી જન્મ દિવસને ખાસ યાદગાર બનાવ્યો છે.

હજુ થોડા દિવસ થયાને ઈશ્વરે જેના માથેથી સહારો છીનવી લીધો છે પરંતુ તેની સામે અનેક લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે વિશાળ પરિવારનો સભ્ય બની ગયાની તેને પ્રતીતિ થઈ જયારે સમગ્ર સમરસ ટીમે એક સાથે 'હેપી બર્થડે' વિશ કર્યું.

થોડા દિવસો પહેલા જયારે કોરોનામાં અપેક્ષાના માતા પિતાનું અવસાન થયું ત્યારબાદ ખુબ હિંમતપૂર્વક કોરોનાના દર્દીઓની સારવાર માટે આગળ આવી સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરનો ભાગ બની છે.

આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને અપેક્ષા મારડિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેની હિમ્મત અને દર્દીઓની સારવારની સમર્પણ ભાવનાને ખાસ બિરદાવી છે.

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે અનેક લોકોને પ્રેરણા પુરી પાડતી અપેક્ષા હાલ અનાથ નહિ પરંતુ સમગ્ર સમરસની ટીમ અને દર્દીઓના દિલમાં વસી હોવાનું પ્રાંત અધિકારી અને સમરસના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેણીના જન્મદિવસે અભિવ્યકિત પાઠવતા જણાવે છે.  નોંધનીય છે કે દ્વિતિય વર્ષ એમબીબીએસની વિદ્યાર્થીની જેણે પોતાના માતા પિતા ગુમાવ્યા અને હાલ સમગ્ર પરિવાર ની જવાબદારી જેના માથે છે.તેવી આ અપેક્ષાની કર્મનીષ્ઠાનો સૌ બિરદાવી રહ્યા છે.

(3:59 pm IST)