રાજકોટ
News of Wednesday, 5th May 2021

જવેલરી માર્કેટે 'હીરો' ગુમાવ્યો

જવેલક્રાફટ ક્રિએશન પ્રા.લિ.ના નિશિત પટેલનું નિધન : નિશિતભાઈનું ચેન્નઈ ખાતે નિધનઃ રાજકોટ જવેલરી બજારમાં શોકઃ દિલાવર સ્વભાવના નિશિતભાઈના પરિવાર પર વિશ્વભરમાંથી શોકસંદેશા આવી રહ્યા છે

રાજકોટઃ જ્વેલક્રાફટ ક્રિએશન પ્રા. લી. વાળા નિશીત ચંદુલાલ પટેલનું તા.૨ મે ૨૦૨૧ના ચેન્નાઇ ખાતે ૫૦ વર્ષની નાની વયે દુઃ ખદ અવસાન થયેલ છે. ૨૦ વર્ષની ઉમરે તેમના બાળ ગોઠિયા મનોજ  હસમુખભાઇ સોલંકી સાથે ધંધાકીય કાર્ય કાળ 'સોલો ચેઇન' ના નામથી ગોલ્ડ ચેઈન મેન્યુફેકચરિંગ શરૂ કર્યું. શૂન્યમાંથી સર્જન કરનાર આ બંને દોસ્તો ગોલ્ડ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી, હાલ જવેલક્રાફટ ક્રિએશન પ્રા.લી.નામે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી જથ્થાબંધ જવેલરીનું પ્રોડકશન કરે છે. કંપની ભારત  તેમજ વિદેશમાં મોટી રિટેલર બ્રાન્ડ્સ તેમજ કોર્પોરેટ્સ માટે પોતાની કલાકૃતિ યુકત એકસકલુઝિવ જવેલરી સપ્લાય કરે છે. સમગ્ર જવેલરી માર્કેટમાં નિશિતભાઈના અચાનક અવસાનથી શોક છવાયેલ છે.

નિશીતભાઈએ કોરોનાની સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમાં લીધેલ અને ત્યારબાદ આગળની સારવાર માટે MGM હેલ્થકેર ચેન્નાઈ ખાતે ગયા હતા. તેમની ટ્રીટમેન્ટમાં તેમના મોટાભાઈ દીપેન પટેલ ખડેપગે રહીને અથાગ મહેનત કરી તેમના સહકારમાં જવેલક્રાફટ ક્રીએશન પરિવાર તેમજ રાજકોટ અને ચેન્નાઈની સોની બજારના વેપારીઓ પણ હતા. આ સર્વેનો બહુ મોટો સહકાર તેમજ સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ હોવા છતાં તેમની ટ્રીટમેન્ટ કારગત ના નીવડી અને નિશીતભાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી.

બીજાને મદદ કરવી કે ધંધાની શીખ આપવી તેવો તેમનો બિનઅભિમાની દિલાવર સ્વભાવ હતો. નાના મોટા સૌને આપણા કરનાર તેમજ સાથે રાખી ચાલનાર ફેકટરીનો પટાવાળો હોય કે કોર્પોરેટ કલાયન્ટ હોય બધા સાથે એક સમાન વર્તન રાખનાર, બધા સાથે સંબંધ રાખનાર. નિશિતભાઈને એકવાર મળેલ વ્યકિત તેમનો હસતો ચહેરો કાયમ યાદ રાખતા થયા. સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા દિલમાં રાખી ગયા.

નિશીતભાઈ રોટરી કલબ ઓફ રાજકોટ  ગ્રેટરના સક્રિય સભ્ય હતા અને રોટરીના ભૂતપૂર્વ પ્રમુખ દીપેન પટેલ (કાસ્ટ એન્ડ અલોપ્સ, મેટોડા)ના નાનાભાઈ થાય તેમજ અશોકભાઈ પટેલના જમાઈ થાય. તેમના કુટુંબમાં પત્ની નિત્તલ, પુત્રી ત્વિષા જે યુ.એસ.માં અભ્યાસ કરે છે અને પુત્ર આરવ ધો.૧૨માં અભ્યાસ કરે છે.

દેશ- વિદેશમાંથી નિશીતભાઈના અવસાન અંગે શોક સંદેશા આવી રહ્યા છે.

(3:52 pm IST)