રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોરોનાએ એરલાઇન્સ કંપનીઓની પથારી ફેરવીઃ સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની ૩૧મી સુધી તમામ ફલાઇટો બંધ

રાજકોટથી એર ઇન્ડીયાની માત્ર ૩ દિ' દિલ્હીની ફલાઇટઃ ઇન્ડિગો દિલ્હીની ફલાઇટ ઉડાડે છે પણ શેડયુલ નકકી નથી

રાજકોટથી મુંબઇ-ગોવા- બેંગ્લોર-હૈદ્રાબાદના શેડયુલ અટકી પડયાઃ મુસાફરો આવતા નથીઃ સ્પાઇસ જેટની ગોવા માટે શરૂ થનાર ફલાઇટ પણ હાલ મોકુફ

રાજકોટ તા. પ :.. કાળમુખા કોરોનાએ એસ. ટી. તંત્ર - રેલ્વે તંત્ર બાદ હવે રાજકોટથી ૪ શહેરો માટે ઉપડતી અને આવતી ત્રણ એર લાઇન્સ કંપનીની પથારી ફેરવી નાખી છે, મુસાફરો કોઇ આવતા નથી માંડ ૧૦ થી ૧પ ટકા મુસાફરો આવતા હોય રોજેરોજ ફલાઇટો કેન્સલ કરવી પડે છે.

વિગતો મુજબ આજથી સ્પાઇસ જેટની મુંબઇ-બેંગ્લોર-હૈદ્રાબાદની ફલાઇટ ૩૧ મી મે સુધી તો ઇન્ડિગો એરલાઇન્સની મુંબઇ - બેંગ્લોર-હૈદ્રાબાદની ફલાઇટ પણ ૩૧ મી મે સુધી રદ કરી નખાઇ છે, ઇન્ડીગોએ વિકમાં ત્રણ દિવસ રાજકોટ-દિલ્હી ફલાઇટ ચાલુ રાખી છે, પરંતુ તે કયારે આવશે, જશે તેનું કોઇ શેડયુલ નકકી નથી.

આવી જ રીતે સ્પાઇસ જેટની રાજકોટ - ગોવા ફલાઇટ શરૂ થનાર હતી તે કોરોનાના ગ્રહણને કારણે મોકૂફ રાખી દેવી પડી છે.

ઇન્ડીયન એરલાઇન્સે મુંબઇની ફલાઇટ બંધ કરી દીધી છે, અને દિલ્હીની ફલાઇટ વીકમાં ત્રણ દિવસ ચાલુ રાખી છે, પરંતુ કયા દિવસે ઉપાડશે - ઉડાડશે તેનું કોઇ શેડયુલ હાલ ફાઇનલ નથી, એરલાઇન્સ કંપનીઓની કોરોનાને કારણે માઠી બેઠી છે, રાજકોટથી ત્રણ મહિના પહેલા એકી સાથે ૧૦ ફલાઇટ ઉપડતી તે એરપોર્ટ સાવ સૂમસામ બની ગયું છે.

(3:06 pm IST)