રાજકોટ
News of Wednesday, 5th May 2021

રસીકરણ અટકશે નહીઃ વધુ ૫૦ હજાર ડોઝ આવી ગયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ માટે સતત ચિંતીત : ૧૮ વર્ષથી વધુની ઉંમરના યુવાઓને અને ૪પ વર્ષથી વધુના વડીલો માટે રપ-રપ હજાર ડોઝનો સ્ટોક થઇ ગયોઃ પાંચ દિવસ સુધી વાંધો નહી આવે ત્યાં સુધીમાં બીજો સ્ટોક : આવી જવાની શકયતાઃ કોઇ નગરજનો ધીરજ રાખે વારો આવે એટલે વેકસીન મુકાવી લ્યેઃ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ અને સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલનો અનુરોધ

રાજકોટ, તા. ૫ :. શહેરમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાઓ માટે રસીકરણ મહાઅભિયાન શરૂ થયુ છે. સાથોસાથ ૪૫ વર્ષથી વધુ વયના વડીલો માટે પણ રસીકરણ ચાલુ જ છે. આ દરમિયાન ગઈકાલે રસીના ડોઝ ખૂટવાની શકયતાઓ સર્જાઈ હતી પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ માટે સતત ચિંતિત હોય રાજકોટ મનપાને આજે વધુ ૫૦,૦૦૦ ડોઝ મોકલી દેવાતા હવે રસીકરણ અભિયાનને બ્રેક લાગવાની શકયતા નહિવત છે અને આ અભિયાન ચાલુ જ રહેશે તેમ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું.

આ અંગે ચેરમેન પુષ્કર પટેલે જણાવેલ કે સરકારે મનપાને કુલ ૫૦,૦૦૦ વેકસીનો મોકલાવી દીધી છે. જે હવે યુવાઓ માટે ૨૫૦૦૦ અને ૪૫થી વધુ વયના વ્યકિતઓને ૨૫૦૦૦ એ પ્રમાણે આપવામાં આવી રહી છે. આ મુજબ આગામી ૫ દિવસનો સ્ટોક થઈ ગયો છે. ત્યાં સુધીમાં વધુ સ્ટોક આવવાની સંભાવનાઓ પણ છે માટે રસીકરણ માટે દરેક નાગરીકો ધીરજ રાખે અને તંત્રની વ્યવસ્થા મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેઓને જે સ્થળ, તારીખ અને સમય આપવામાં આવે ત્યારે જરૂરથી રસીકરણ કેન્દ્ર પર જઈ રસી મુકાવી લેવી તેવો અનુરોધ છે.

નોંધનીય છે કે ગઈકાલે રસીના ડોઝ ખલાસ થવામા હતા અને આજ સુધીની જ રસી ઉપલબ્ધ હતી પરંતુ સરકારે વધુ જથ્થો ફાળવતા હવે રસીકરણ અભિયાનમાં આગામી ૫ દિવસ સુધી બ્રેક નહિ લાગે.(૨-૧૮)

શહેરમાં બપોર સુધીમાં ૬૬૮૨ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટઃ શહેરમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૫૫૦ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૩૧૩૨ સહિત કુલ ૬૬૮૨ નાગરીકોએ રસી લીધી.

(3:05 pm IST)