રાજકોટ
News of Tuesday, 4th May 2021

રાજકોટ સિવિલ કોવિડના ચોથા માળેથી દર્દીની મોતની છલાંગ

કુવાડવાના સાયપરના જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા (ઉ.વ.૫૦) કોરોનાથી સંક્રમિત થતાં ૨૯મીથી દાખલ હતાં: આજે સવારે લોબીમાંથી ઓચીંતી દોટ મુકીઃ બે કર્મચારી પાછળ દોડ્યા પણ બચાવી ન શકયાઃ સીસીટીવીના દ્રશ્યો પરિવારજનોને બતાવાયા : હજુ સાંજે તો મોટાભાઇએ મારી સાથે વિડીયો કોલીંગથી વાત કરી હતીઃ નાના ભાઇ સંજયભાઇ જાગાભાઇ ઇલેકટ્રીક કામ કરતાં: બે પુત્રી-એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ત્રણેય સંતાન પરિણિત

રાજકોટ તા. ૪: કોરોનાથી સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા દિવસો પહેલા સમરસ કોવિડમાં એક મહિલા દર્દીએ છલાંગ લગાવી મોત મેળવી લીધું હતું. ત્યાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં વહેલી સવારે ચોથા માળેથી કુવાડવાના સાયપરના એક કોરોના પોઝિટિવ દર્દીએ લોબીમાંથી છલાંગ લગાવી દેતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ વહેલી સવારે કોવિડ બિલ્ડીંગના ચોથા માળેથી એક કોરોના પોઝિટિવ દર્દીએ કૂદકો મારતાં ઘટના સ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા  સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર દર્દીનું નામ જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા (કોળી) (ઉ.વ.૫૦) હોવાનું અને તે કુવાડવાના સાયપર ગામમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું.

બનાવ સ્થળે મૃતકના પરિવારજનો હાજર હોઇ પોલીસે પંચનામુ કરી મૃતદેહ અંતિમવિધી માટે સોંપ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર જાગાભાઇ ઇલેકટ્રીક કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ત્રણેય સંતાનના લગ્ન થઇ ગયા છે. જાગાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. અન્ય બે ભાઇઓના નામ ગિરધરભાઇ અને સંજયભાઇ છે.

નાના ભાઇ સંજયભાઇના જણાવ્યા મુજબ હજુ ગત સાંજે જ મેં મોટા ભાઇ જાગાભાઇ સાથે વિડીયો કોલથી વાત કરી હતી. તેમણે પોતાને સારું હોવાનું કહ્યું હતું અને હાથમાં સોય તે બતાવી હતી. એ પછી તેમણે અચાનક આવું પગલુ શા માટે ભર્યુ તેનાથી અમે પણ અજાણ છીએ.

પ્રારંભે તો પરિવારજનોએ જાગાભાઇ આવું પગલુ ભરે જ નહિ તેમ કહેતાં હોસ્પિટલ સ્ટાફે સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતાં. જેમાં જાગાભાઇ વોર્ડમાંથી બહાર નીકળી લોબીમાં જઇ છલાંગ લગાવતાં અને બે કર્મચારી તેમની પાછળ દોટ મુકી બચાવવા જતાં દેખાયા હતાં. એ પછી પરિવારજનોએ ઘટનાને સાચી માની હતી.  કોરોનાથી કંટાળી જઇ જાગાભાઇએ આ પગલુ ભરી લીધાની અથવા તો સારું નહિ થાય તેવો ભય લાગતાં પગલુ ભર્યાની શકયતા હાલ પોલીસને જણાઇ છે. તપાસ યથાવત રાખવામાં આવી છે.

(3:17 pm IST)