રાજકોટ
News of Tuesday, 4th May 2021

માસ્ક પ્રત્યે લોકજાગૃતિ ખુબ જ જરૂરી

ડબલ માસ્ક કોરોના ફેલાવા સામે ૯૫% સુધી રક્ષણ આપે છે

'ધ યુનાઇટેડ સ્ટેટ સેન્ટર્સ ફોર ડિઝીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન' (યુએસ. સીડીસી)એ એક માર્ગદર્શિકામાં જાહેર કર્યું છે તે મુજબ માત્ર સીંગલ નહીં આ કોરોનાના નવા વેવથી બચવા ડબલ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી

રાજકોટ તા. ૩ : કોરોનાએ જયારે હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા અને તબીબો દ્વારા તેનાથી બચવાની ગાઇડલાઇન વારંવાર અનેક માધ્યમો દ્વારા જારી કરાય છે. અફસોસ એ વાતનો છે કે મોટા ભાગનો પ્રબુધ્ધ વર્ગ તેને અનુંસરતો નથી. હાલના તબક્કે કોવિડ-૧૯ થી બચવાનો સૌ પ્રથમ રસ્તો છે માસ્ક પહેરવું. માત્ર પહેરવું જ નહીં વ્યવસ્થિત અને સુચવેલ ગાઇડલાઇ મુજબ પહેરવું. જયારે આપણે ત્યાં ઘણા ખરા લોકો માસ્કને માત્ર પોલીસના દંડથી બચવા માટે જ પહેરતા હોય તેવું લાગે છે. આવી મહામારીથી બચવા માસ્ક યોગ્ય રીતે પહેરવું કેટલું જરૂરી છે તે ઙ્કધ યુનાઇટેડ સ્ટેટ સેન્ટર્સ ફોર ડિઝીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સનઙ્ખ (યુએસ. સીડીસી) એ એક માર્ગદર્શિકામાં જાહેર કર્યું. જે મુજબ માત્ર સીંગલ નહીં આ કોરોનાના નવા વેવથી બચવા ડબલ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. અત્યારે માસ્ક પ્રત્યે લોકજાગૃતિ ફેલાય તે ખુબ જ જરૂરી છે.

યુએસ. સીડીસી ના જણાવ્યા મુજબ કોવિડ -૧૯ માટે ડબલ માસ્ક - તમારે કેવી રીતે પહેરવું અને તે ઉપરાંત અન્ય વસ્તુઓ પણ તમારે જાણવી ખુબ અગત્યની છે. ડબલ માસ્ક પહેરવાથી કોવિડ સામે તે મજબૂત અવરોધ ઉભો કરે છે. કોરોના સામેની લડતમાં ફેસ માસ્કનો ઉપયોગ કરવો એ એક મહત્વપૂર્ણ સાધન છે. હવે, નવા સંશોધનોએ નક્કી કર્યું છે કે ડબલ માસ્ક આ રોગના ફેલાવા સામે ૯૫% સુધી રક્ષણ આપે છે. આ અંગે યુએસ સીડીસી કાપડના માસ્ક સાથે સંયોજનમાં સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

ઘણા લોકોને એક માસ્ક પહેરવાથી પણ ગભરામણ થતી હોય છે જયારે ડબલ માસ્ક કઇ રીતે પહેરવા. કોરોનાનાની આ લડાઇમાં બે માસ્ક એક દિવાલ બની તમારી સાથે રહે છે. ડબલ માસ્ક પહેરવાની શ્રેષ્ઠ રીત કઇ તે પણ જાણવી એટલીજ જરૂરી છે. ચેપ લાગવાની સંભાવના ઘટાડવા માટે, કોવિડ-૧૯ ને રોકવા માટે ડબલ માસ્ક એ એક અન્ય રક્ષણાત્મક પગલું છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.

ડબલ માસ્ક એટલે બે માસ્ક પહેરવાના હોય છે. જે કોરોના સામે મજબૂત અવરોધ બનાવવામાં મદદ કરે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે ડબલ માસ્કિંગ તમારા કોવિડ -૧૯ વાયરસના સંપર્કમાં ૯૫% સુધીનો ઘટાડો કરી શકે છે. બહારથી આવતા વાયરસને તમારા સુધી પહોંચતા રોકવામાં ડબલ માસ્ક એક ઢાલ જેવું કામ કરે છે.

માસ્ક પહેરવો કઇ રીતે? તમે જોતા હશો કે કેટલાય લોકો દાઢી પર, એક કાન પર લટકાવીને, માથા પર કે ગળા પર માસ્ક પહેરે છે. ઘણા તો માત્ર રૂમાલનો ઉપયોગ કરે છે. યાદ રાખો આમ કરવાથી તમે કોરોનાને તમારા શરીરમાં પ્રવેશ કરવા માટે જાણે ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છો! માસ્ક પહેરવાની યોગ્ય પધ્ધતી. અને કયું માસ્ક પહેરવું તે પણ જાણવું જરૂરી છે.

માસ્ક પહેરો ત્યારે ખાતરી કરો કે તમારો માસ્ક તમારા ચહેરા પર નાક અને મોઢા ને વ્યવસ્થિત ઢાંકે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે જે માસ્ક યોગ્ય રીતે બંધ બેસતો નથી તે શ્વસનના ટીપાંને અંદર અને બહાર લિક કરી શકે છે, જે તેને બિનઅસરકારક બનાવે છે. એટલે કે એક સાથે ૩ થી વધુ લેયર સાથેનો માસ્ક વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે, કારણ કે તે શ્વાસના ટીપાં માટે મજબૂત અવરોધ બનાવે છે. આ ડબલ માસ્ક પહેરવો કઇ રીતે? ડબલ માસ્ક યોગ્ય રીતે પહેરવા યુ.એસ. સી.ડી.સી. દ્વારા કરાયેલા કેટલાય અભ્યાસ મુજબ, ડબલ માસ્ક કોવિડ-૧૯ ના ફેલાવાને રોકવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, આ ત્યારે જ લાગુ પડે છે જયારે તમે ડબલ માસ્ક યોગ્ય રીતે પહેરો. સર્જીલ માસ્ક કે જેનો એક-બે વાર ઉપયોગ કરી બંધ કચરાપેટીમાં નાંખી દેવાનો હોય છે તેને ઘણા લોકો તો કપડાની જેમ ધોઇ ફરી ઉપયોગમાં લે છે.!

ડબલ માસ્ક યોગ્ય રીતે પહેરવાની બે રીત છે. કાપડનો માસ્ક અને એન ૯૫ કે અન્ય સારા માસ્ક ની સાથે સર્જિકલ માસ્ક ને જોડવો કે પહેરવો. હાલની પરિસ્થિતીમાં એકલા કપડાના માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવતી નથી, પરંતુ સર્જિકલ માસ્ક સાથે કપડાના કે એન ૯૫ કે અન્ય યોગ્ય ગુણવતાવાળા માસ્કની જોડી બનાવવાથી તેની અસરકારકતામાં તીવ્ર વધારો થાય છે.

આ રીતે માસ્ક પહેરવાનું ખૂબ સરળ પણ છે. પ્રથમ તો સર્જિકલ માસ્ક પહેરો (જે બ્લ્યુ ૩ લેયર વાળા મોટા ભાગે બ્લ્યુ રંગના હોય છે) અને પછી તેના ઉપર કાપડનો માસ્ક પહેરો. યુએસ. સીડીસી સૂચવે છે કે કાપડના માસ્કથી સર્જિકલ માસ્ક પર દબાણ આવે અને તમારું નાક અને મોંઢુ બરાબર ઢંકાય તે જોવું ખુબ જરૂરી છે. સર્જીકલ માસ્કમાં નોસ સ્ટ્રીપ (નાકની તાર) એટલે કે નાક પર ટકી શકે તેવી પટ્ટી આવે છે. જેનાથી માસ્ક સરળતાથી નાક અને મોંઢા ને ઢાંકે છે. આ સર્જિકલ માસ્ક જરા પણ ઢીલું હોવું જોઇએ નહીં. તેની દોરીને કાન સાથે એવી રીતે બાંધો કે માસ્ક ઢીલું ન રહે. જો કદાચ માસ્ક મોટું પડતું હોય તો દોરીનો વળ કરી (આઠડા આકારમાં) કાનની પાછળ પહેરી શકાય. આ માસ્ક પહેર્યા પછી તેના પર સ્વચ્છ કાપડનું માસ્ક (રૂમાલ નહીં) કે એન ૯૫ માસ્ક કે કોઇપણ સારી ગુણવતાવાળું માસ્ક પહેરવાનું. જેથી નાક કે મોઢામાં આ વાયરસ જતા અટકે છે.

આ યોગ્ય પધ્ધતીથી માસ્ક પહેરવાથી જો તમે કોઇની સામે જાવ અને તેને છીંક આવે કે ઉધરસ આવે તો તેના નાક અને મોંઢા માંથી નીકળતા વાયસરથી તમે બચી શકશો. ઘણીવાર મોટા ભાગે લોકો વારંવાર માસ્કને હાથે થી સરખું કરે છે અથવા તો વારંવાર નાક કે મોંઢા પર ચડાવવા અડે છે. યાદ રાખો તમારા હાથ અનેક જગ્યાએ અડતા હોય અને તેજ હાથ માસ્ક ને અડે તો ત્યાંથી પણ વાયરસ તમારામાં પ્રવેશી શકે છે. હાલની પરિસ્થિતી એટલી ગંભિર છે કે માત્ર એક નહીં પણ ડબલ માસ્ક યોગ્ય રીતે પહેરવા ખુબ જરૂરી છે. જેનાથી આ વાયરસથી ૯૫% બચવામાં મદદ મળે છે તે વાત ૧૦૦% સાબીત થઇ છે. (૨૧.૨૮)

'હજી મુખેથી માસ્ક ન કાઢો, નથી થયો કોરોના ટાઢો'

જેતપુરના નામાંકિત ફિઝીશ્યન ડો. જગદિપ નાણાવટી માસ્ક, સેનેટાઇઝ, યોગ્ય અંતર જાળવવું વગેરે બાબતો પર કોરોનાની શરૂઆતથી ભાર મુકતા આવ્યા છે. તેઓ વ્યવસાયે તો ડોકટર છે પણ સારા ગાયક અને ખુબ સારા કવિ પણ છે. છેલ્લા ઘણા સમયથી તેઓ તેમના સોશ્યલ મીડિયાના પેઇજ પર કવિતા અને પંકિતઓ દ્વારા માસ્ક પહેરવા પર ખુબ જ ભાર આપી લોકોને જાગૃત કરવાનું એક ઉમદા કામ કરી રહ્યા છે. તેમણે લખેલ પંકિત 'લોકડાઉન'ની નોંધ છેક દિલ્હી સુધી લેવાઇ હતી. કોરોના, માસ્ક પહેરવા વગેરે વિશે ડો. જગદિપ નાણાવટીએ તેમની કવિતાની પંકિતઓમાં ખુબ સરસ રીતે વર્ણવી છે. જેમાની કેટલીક પંકિતઓ જોઇએ તો...

- તું જ તારો હેલ્થ વર્કર, નાક ને મોઢું કવર કર

- જીવતો રહેજે બંધ બારણે, નીકળે ના તું કોઇ કારણે

- મુઠ્ઠીમાંથી સરકી જાશે રેત, પગ વાળીને ઘરમાં બેસી ચેત

- ઘર સે નીકલતે હી, કુછ દુર ચલતે હી,

- મુંહ સે ઉતરતા હૈ માસ્ક

ફેશન નવલી..? સહેલો રસ્તો..

માસ્ક નો ટૂકડો, સૌથી સસ્તો..!

- બચવા માટે એક જ તરણુ, ચહેરા ઉપર નાનુ ગરણુ

- માસ્ક તારે કાઢવો છે.?? કે કોરોના નાથવો છે!?

ડો. જગદિપ નાણાવટીએ આવી અનેક પંકિતઓ સાથે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. જે હજી પણ ચાલુ છે. તેઓ લખે છે, કોરોના એ પંચતત્વનો અભિષાપ છે. જળ..રેમડેસીવિર, થળ.. પથારીઓ, અગ્નિ.. આગજની, વાયુ.. ઓકિસજન અને આકાશ એટલે ઇશ્વર.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:08 pm IST)