રાજકોટ
News of Saturday, 5th May 2018

રાજકોટમાં સૌરાષ્ટ્ર સ્તરની કરાઓકે સીંગીંગ સ્પર્ધા

સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે આયોજનઃ પ્રવેશ નિઃશુલ્ક : ૧૧મી સુધી એન્ટ્રી સ્વીકારાશેઃ ૧૯મીથી ઓડીશનઃ બે કેટેગરીમાં સ્પર્ધા

રાજકોટ, તા.૫: કરાઓકે મ્યુઝીક પર ગીતો ગાવાનું આજકાલ ચલણ અને શોખ થઈ ગયો છે. લોકો આ શોખને હોંશે હોંશે માણી રહ્યા છે. હવે તો એન્ડ્રોઈડ ફોન ઉપર ફ્રીમાં ઘણી બધી એપ્લીકેશન પણ કરાઓકે આધારિત છે. લોકો તેના જાણે વ્સયની થઈ ગયા છે. આ તો થઈ શોખની વાત પણ શોખ જાહેરમાં રજૂ કરવા મળે તો શોખની મજા બેવડાય છે. આ માટે એક કરાઓકે સ્પર્ધા ઉત્તમ માધ્યમ છે. રાજકોટમાં સૌરાષ્ટ્રસ્તરની મેગા કરાઓકે સીંગીંગ સ્પર્ધા સળંગ ત્રીજા વર્ષે યોજાવા જઈ રહી છે. એનુું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ અને સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

બન્ને સંસ્થાઓ બે વર્ષથી સ્પર્ધા યોજી રહી છે અને અનેક સીંગરો એમાંથી બહાર ઉભરી આવે છે અને પોતે પ્રોફેશનલ સીંગીંગ પણ કરતા થાય છે. ફરી આ વર્ષે પણ આ ર્સ્પધા યોજાઈ રહી છે. સમગ્ર આયોજન નિઃશુલ્ક છે, સ્પર્ધકો માટે કોઈ ફી આપવાની નથી. એ માટેના ફોર્મ વિતરણ શરું કરી દેવામાં આવ્યું છે. ૧૧મી મે સુધી સ્વીકારવામાં આવશે. પહેલો ઓડિશન રાઉન્ડ ૧૯મી મે યોજાશે.

સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ અને સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કરાઓકે સીંગીંગ કુલ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં યોજાશે. સંસ્થાના આ દિર્ધ આયોજનને લીધે દરેક સ્પર્ધકને પોતાની કલા રજૂ કરવાએ રીતે ઉત્તમ પ્લેટફોર્મ મળશે. સ્પર્ધા સૌરાષ્ટ્ર પૂરતી જ સિમીત રાખવામાં આવી છે.

સ્પર્ધા બે કેટેગરીમાં યોજાશે. પ્રથમ કેટેગરીમાં ૮ થી ૧૮ વર્ષની ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. બીજી કેટેગરીમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. ત્રણ રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડ ઓડિશન, બીજો રાઉન્ડ સેમી ફાઈનલ અને અંતિમ રાઉન્ડ ફાઈનલનો રહેશે. સ્પર્ધા સંપુર્ણપણે કરાઓકે ટ્રેક આધારિત છે એટલે ટ્રેક સિવાય ગીતો ગાવાની છૂટ મળે.

સ્પર્ધા માટેના ફોર્મ સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, સાગર ટાવર્સની સામે, રાજકોટ ખાતેથી મળી શકશે. વોટ્સ એપ કે ફેસબુક પરથી મેળવેલું ફોર્મ પ્રિન્ટ કઢાવીને પણ જમા કરાવી શકાશે. વધુ વિગતો માટે મો.૯૫૩૭૭ ૫૦૯૯૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો સર્વેશ્રી અજયભાઈ જોષી,  સતીષભાઈ મહેતા, નિલેષભાઈ રાઠોડ અને શ્રીમતી હર્ષાબેન રાઠોડ નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(2:38 pm IST)