રાજકોટ
News of Saturday, 5th May 2018

આશાપુરાનગરમાં મશ્કરીમાં વાત વણસીઃ ગરાસીયા કાકા-ભત્રીજા પર આહિર શખ્સોનો તલવારથી હુમલો

પૃથ્વીરાજસિંહ અને કાકા પ્રહલાદસિંહને માથામાં ઇજાઃ સામા પક્ષે મેરામ આહિર, ભાયકો ઉર્ફ વિજય આહિર અને લક્ષમણ આહિરને ઇજાઃ સામસામી ફરિયાદ : પૃથ્વીરાજસિંહે કહ્યું પોતે મિત્ર સાથે મશ્કરી કરતો હતો ત્યારે મેરામે પોતાને કાકા કહીને બોલાવવાનું તેમ કહેતાં માથાકુટ

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ હુડકો પાછળ આશાપુરા નગરમાં રહેતો અને પીડીએમ કોલેજમાં ભણતો ગરાસીયા છાત્ર રાત્રે ઘર પાસે પોતાના મિત્ર આહિર યુવાન સાથે સોડા પીતા-પીતા મશ્કરી કરતો હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતાં અન્ય આહિર શખ્સે 'શું વાતો કરો છો? મને કાકા કહેવાનું...' તેમ કહેતાં ગરાસીયા યુવાને ના પાડતાં ઝઘડો થતાં આહિર યુવાન અને તેના પાંચ પરિવારજનોએ મળી હુમલો કરી માથામાં તલવાર ઝીંકી દેતાં તેમજ આ યુવાનના કાકા વચ્ચે પડતાં તેના ઉપર પણ હુમલો કરતાં બંનેને ઇજા થઇ હતી. સામા પક્ષે આહિર યુવાને પણ ગરાસીયા પરિવારના ચાર લોકોએ હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. જેમાં ત્રણને ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી.

હુમલામાં ઘાયલ પૃથ્વીરાજસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.૧૯-રહે. આશાપુરાનગર-૧૭) અને તેના કાકા પ્રહલાદસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.૪૮) રાત્રે દસેક વાગ્યે માથામાં ઇજા થયેલી હાલતમાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગરના પી.એસ.આઇ. એ. વી. પીપરોતર સહિતના સ્ટાફે પહોંચી પૃથ્વીરાજસિંહના પિતા આશાપુરા મંડપ સર્વિસવાળા હરદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી મેરામભાઇ આહિર, પરેશ આહિર, મેરામના કાકા, ભાયકો, માકુબેન અને અનુબેન સામે આઇપીસી ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૧૩૭ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

ઘાયલ પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે  પોતે પીડીએમ કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણે છે. રાત્રે ઘર નજીક મિત્ર ધર્મેશ આહિર સાથે ઉભો રહી સોડા પીતો હતો અને મશ્કરી કરતો હતો ત્યારે મેરામે આવીને શું મશ્કરી કરો છો? શું વાત કરો છો...મને કાકા કહેવાનું તેમ જણાવતાં પોતે કાકા નહિ કહે તેમ કહેતાં ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. એ પછી તે તેના પરિવારના બીજા સભ્યોને બોલાવી લાવતાં પોતાના પર તલવારથી હુમલો કરાયો હતો જેમાં માથામાં ઇજા થઇ હતી. કાકા પ્રહલાદસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.૪૮) વચ્ચે પડતાં તેને પણ માથામાં તલવારનો ઘા ઝીંકાયો હતો.

સામા પક્ષે આશાપુરા-૧૭માં રહેતાં મેરામ મેણંદભાઇ જળુ (આહિર) (ઉ.૨૭)એ પણ પૃથ્વીરાજસિંહ હરદેવસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા અને હઠીસિંહ સામે ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહને મશ્કરીમાં બોલવા બાબતે ના પાડતાં તેના સહિતનાએ ઝઘડો કરી ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ હરદેવસિંહે તલવારથી હુમલો કરતાં લક્ષમણ જેસંભાઇને ઇજા થઇ હતી. પ્રહલાદસિંહ ને હઠીસિંહે વિજય ઉર્ફ ભાયકો મેણંદભાઇ જળુને ઢીકા-પાટુનો માર માર્યો હતો.

(12:15 pm IST)