રાજકોટ
News of Sunday, 5th April 2020

રાજકોટમાં ખળભળાટ મચાવતી હત્યાની ઘટના: સામા કાંઠે રણછોડવાડીમાં 17 વર્ષના બીમાર પુત્ર પ્રિન્સને સગી જનેતા દક્ષા ડાંગરિયાએ દુપટ્ટાથી ફાંસો આપી પતાવી દીધો*

રાજકોટ: શહેરના રણછોડવાડી 7માં રહેતા મૂળ પડધરીના ખોખરી ગામના વતની કિશોરભાઈ પોપટભાઈ ડાંગરિયાના 17 વર્ષના પુત્ર પ્રિન્સને સગી માતા દક્ષા કિશોરભાઈ ડાંગરિયાએ મારી નાખતા બી ડિવિઝન પોલીસે કિશોરભાઈની ફરિયાદ પરથી તેની પત્ની દક્ષા સામે 302 મુજબ હત્યાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.

 ચોંકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો ગઈકાલે શનિવારે દક્ષા પટેલ અને 17 વર્ષનો પુત્ર પ્રિન્સ ઘરે એકલા હતા. એ પછી દક્ષાએ બૂમાબૂમ કરી અડોશી પડોશીને બોલાવી પોતાના પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું કહ્યું હતું. 

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં દક્ષા પટેલે પુત્ર પ્રિન્સને દોઢ બે વર્ષથી મગજમાં પાણી ભરાઈ જવાની બીમારી હોઈ આથી કંટાળીને તેણે આપઘાત કરી લીધો છે. 

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધિ માટે વતન ખોખરી ગામે લઈ જવાયો હતો અને ત્યાં અગ્નિદાહની વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ડોકટરોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર ફાંસાના નિશાન શંકાસ્પદ હોવાનું જણાવતા પીઆઇ વી.જે. ફર્નાન્ડિઝ, ક્યાબેન ચોટલીયા, સુધાબેન, મીતલબેન, વિરમભાઈ સહિતે ડીસીપી રવિમોહન સૈની, એસીપી ટંડેલની રાહબરીમાં દક્ષા પટેલની વિસ્તૃત પૂછતાછ શરૂ કરી હતી. પણ તેણે છેક સુધી દીકરાએ આપઘાત જ કર્યાનું રટણ કર્યું હતું. 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જો. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની સૂચના મુજબ દક્ષાની સતત એક પછી એક અધિકારી કર્મચારીએ જુદા જુદા સવાલોનો મારો ચલાવી પૂછતાછ ચાલુ રાખતા અંતે દક્ષાએ હત્યાની કબૂલાત આપી દીધી હતી.

દીકરો સતત બીમાર રહેતો હોય પોતે કંટાળી જતા હત્યા કર્યાનું પણ કબુલ્યું છે. હત્યા કરનારને સંતાનમાં બીજી એક દીકરી પણ છે. પતિ હીરા ઘસવાનું કામ કરે છે. 

વિધિસર ધરપકડ બાદ પોલીસ વિસ્તૃત વિગતો જાહેર કરશે.

 

(12:32 pm IST)