રાજકોટ
News of Friday, 5th March 2021

મહિલા કોલેજ હાઉસીંગ બોર્ડ પાસે ચબુતરાના વિવાદીત પ્લોટમાં મ.ન.પા.ની કાર્યવાહી સામે વિરોધ

અહીં દરરોજ હજારો કબુતરો ચણતા હોય જીવદયા પ્રેમીઓ દ્વારા રજૂઆત

રાજકોટ, તા. ૫ :. શહેરના મહિલા કોલેજ સામે આવેલ હાઉસીંગ બોર્ડ સોસાયટીના ચબુતરાના વિવાદીત પ્લોટમાં મ.ન.પા. દ્વારા ફેન્સીંગની કાર્યવાહી થતા રહેવાસીઓ તથા જીવદયા પ્રેમીઓમાં વિરોધ ઉઠયો છે અને આ કાર્યવાહી અંગે ફેર વિચારણા કરવા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયુ છે કે, રાજકોટ શહેરમાં લગભગ ૩૫-૪૦ વર્ષો થયા આ જગ્યા એ અનેક શહેરના દયાળુ લોકો દ્વારા હજારો પક્ષીઓને ચણ-પાણી આપવામાં આવી રહ્યા છે ત્યારે આ ગંભીર અને વિવાદીત જગ્યા બાબતે ફેર વિચારણા અનિવાર્ય બને છે.

રાજાશાહીમાં રાજવીઓ દરેક જગ્યાએ પ્રજાની જેમ પશુ-પક્ષીઓની પણ ચિંતા કરતા અને અનેક જગ્યાઓએ ચબૂતરા, પાણીના અવેડાઓ બંધાવતા જ્યારે હાલમાં આ બાબતે ઉદાસીનતા દેખાયછે ત્યારે થોડું બચેલું છે તેને પણ બંધ કરવું યોગ્ય લાગતું નથી.

થોડા દયાહીન લોકોની ખોટી ફરીયાદ ઉપર કાર્યવાહી કરવી એ વ્યાજબી નથી. જ્યારે બહુમતી જીવદયાપ્રેમી લોકોનો વિરોધ છે તો એ વાત કેમ ધ્યાને લેવાતી નથી ?

નામ. સુપ્રીમ કોર્ટે પણ અબોલ પશુ-પક્ષીઓને પાંચ મૂળભૂત અધિકારો આપેલા છે તેનો પણ અનાદર થઈ રહ્યો છે. જેમાં દરેક જીવોનું રક્ષણ, આશરો, ખોરાક, પાણી, ક્રૂરતાનો સમાવેશ કરેલો છે ત્યારે ખોરાક-પાણીની કોઈને વંચિત રાખવા એ પણ ક્રૂરતા જ રહેલી છે.

એટલુ જ નહીં ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી અહિંસા અને પશુ-રક્ષા માટે જાણીતા છે ત્યારે તેના જ શહેરમાં આવું અધમકૃત્ય કોઈના ઈશારે કરવું એ તદન અશોભનીય છે ત્યારે આવો નિર્ણય અબોલ જીવોે માટે ભવિષ્યમાં કુઠારાઘાત સાબિત પણ થઈ શકે છે.

શહેરમાં અનેક જગ્યાએ ગંદકી છે ત્યારે અહીંયા કોઈ ગંદકી ન હોવા છતા શા માટે ગંદકીનું બહાનુ આગળ કરવામાં આવે છે. અત્યાર સુધી તકલીફ ન હતી ત્યારે અચાનક થઈ રહેલી કાર્યવાહીને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે ત્યારે નિર્ણય તુરંત રદ કરવા ધ્રુવરાજસિંહ જાડેજા, શુભમ કનેજિયા, સેંજલ મહેતા, મનીષ ઠક્કર, ચંદ્રેશ અજમેરા, અજય ઠક્કર, હિરેન રાધનપુરા વિગેરે જીવદયા પ્રેમીઓએ માંગ ઉઠાવી છે.

(4:00 pm IST)