રાજકોટ
News of Friday, 5th March 2021

ફિટ ઇન્ડિયા...સુત્ર અંતર્ગત પોલીસ પરિવારના બહેનો માટે શરૂ થયું યોગ તાલિમ કેન્દ્રઃ વિનામુલ્યે સાંજે ૭ થી ૮ શીખડાવાઇ રહ્યા છે યોગ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પોલીસ પરિવારના મહિલા સભ્યો સ્વસ્થ તંદુરસ્ત રહે તે માટે પણ જાગૃત

રાજકોટ તા. ૫: શહેર પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓ પોતે સ્વસ્થ તંદુરસ્ત અને ફિટ રહે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સતત બધા પર નજર રાખે છે અને તેઓ ફિટનેસ પ્રત્યે સતત જાગૃત રહે તે માટે પ્રોત્સાહિત કરતાં રહે છે. આ ઉપરાંત પોલીસ પરિવારોને પણ તમામ જરૂરી સુખ સુવિધા મળી રહે તે માટે પણ તેઓ જાગૃત રહે છે. હાલમાં જ પોલીસ પરિવારના મહિલા સભ્યો-બહેન-દિકરીઓ માટે 'ફિટ ઇન્ડિયા' સુત્ર અંતર્ગત પોલીસ હેડકવાર્ટર ખાતે યોગ તાલિમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહિ વિનામુલ્યે દરરોજ સાંજે સાત થી આઠ એક કલાક યોગ નિષ્ણાંત મહિલા તાલિમાર્થી દ્વારા યોગ શીખવવામાં આવી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી યોગ તાલિમ કેન્દ્ર શરૂ થઇ ચુકયું છે. જેમાં પ્રારંભથી જ પોલીસ પરિવારના મહિલા સદસ્યો ઉત્સાહભેર જોડાઇ ચુકયા છે અને હજુ જોડાઇ રહ્યા છે. પોલીસ પરિવારના તમામ મહિલા સદસ્યોના સ્વાસ્થય જળવાઇ રહે તે માટે યોગ તાલિમ કેન્દ્ર શરૂ કરાયું છે. શહેરની કોઇપણ પોલીસ લાઇનમાં રહેતાં પોલીસ પરિવારના મહિલા સદસ્યો આ યોગ તાલિમ કેન્દ્રમાં વિનામુલ્યે જોડાઇ શકે છે. રૂબરૂ આવીને નામ નોંધણી કરાવી તાલિમમાં જોડાઇ શકાય છે. પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ ઉપરાંત જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ એસીપી હેડકવાર્ટર જી. એસ. બારીયા તથા રિઝર્વ પીઆઇ મયુર કોટડીયા તેમજ બિપીનભાઇ પટેલ આ તાલિમ કેન્દ્ર નિયમીત ચાલતું રહે અને વધુને વધુ મહિલાઓ-બહેનો પોતાના સ્વાસ્થ્યને સુરક્ષીત રાખવા આ કેન્દ્રમાં સામેલ થાય તે માટે કટીબધ્ધ બન્યા છે. તસ્વીરમાં યોગ શીખવી રહેલા નિષ્ણાંત તાલિમાર્થી મહિલા અને પોલીસ પરિવારના બહેનો જોઇ શકાય છે.

પોલીસ પરિવારના ૬૦ વર્ષથી ઉપરના સદસ્યનું કોરોના વેકિસન માટેનું રજીસ્ટ્રેશન એક ફોન ડાયલ કરતાં ઘર બેઠા થઇ જશે

. શહેર પોલીસના મોટા ભાગના અધિકારીઓ, કર્મચારીઓએ કોરોના વેકસીનના બબ્બે ડોઝ લઇ લીધા છે. પોલીસ પરિવારના ૬૦ વર્ષ કે તેથી ઉપરના કોઇપણ સદસ્ય કે જેઓ કોરોના વેકિસન માટે રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા હોય તેમના માટે પણ ખાસ સુવિધા પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે ઉભી કરાવી છે. રજીસ્ટ્રેશન માટે હેડકવાર્ટરના કોન્સ્ટેબલ બિપીનભાઇ પટેલનો મો. ૯૯૨૪૬ ૮૦૧૦૦ ઉપર સંપર્ક કરવાથી ઘેર બેઠા રજીસ્ટ્રેશન થઇ જશે. આ કારણે ઉમરલાયક સ્વજનને હેરાન થવું પડશે નહિ.

(3:08 pm IST)