રાજકોટ
News of Friday, 5th March 2021

બજેટમાં મધ્યમ અને ગરીબો માટેની યોજનાઓનો સમાવેશઃ ડો.કથીરીયા

રાજકોટ,તા.૪: નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં રજૂ કરેલ અંદાજપત્રને આવકારતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવેલ કે સમાજનાં તમામ વર્ગના અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખી જુદી જુદી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. ડાંગ જીલ્લાને સંપૂર્ણ રાસાયણિક ખેતી યુકત કરી પ્રાકૃતિક ખેતીવાળો જિલ્લો બનાવવાની ઘોષણા, ઓર્ગેનિક માર્કેટ શરૂ કરી ખેડૂતોનો સીધો માલ વેચવાની સરળતા કરવા માટે તેમજ ગૌસેવા, ગૌસંવર્ધન માટે ૨૫ કરોડ તેમજ પાણી કલ્યાણ અર્થે મોબાઈલ એમ્બ્યુલન્સ તેમજ આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ રૂ.૧૫૯ કરોડ તેમજ રાજકોટમાં મેડીકલ ડીવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ફાળવણી અને ઉર્જા પેટ્રોલીયમ, કલાઈમેન્ટ ચેન્જ માટે વિશેષ ફાળવણી કરીને વિકાસ માટે સર્વગ્રાહી બજેટ ફાળવેલ છે.

આગામી વર્ષમાં ૨૨ લાખ રોજગારી માટે અનેક તકો સર્જવા બદલ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવતા વિકાસલક્ષી બજેટ માટે સમાજના તમામ વર્ગોને આવરી લઈ કોરોનાં કાળમાં પણ એકપણ પ્રકારનો ટેક્ષ નાંખ્યા વગર પુરાંતવાળા વિકાસલક્ષી બજેટને આવકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાણાંમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:52 pm IST)