રાજકોટ
News of Friday, 5th March 2021

શહેર પોલીસ કોરોના વેક્‍સિન લઇ સલામત બની છેઃ બીજો ડોઝ લેતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૫: કોરોના મહામારી પછી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે કોરોના વેક્‍સિનની સુવિધા ઉપલબ્‍ધ કરાવી છે  ફ્રન્‍ટ લાઇન કોરોના વોરિયર્સ એવા રાજકોટ શહેર પોલીસના લગભગ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વેક્‍સિનના બંને ડોઝ લઇ લીધા છે. જેને રસી લેવાની બાકી છે તેના માટે પણ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી જવાનો, જીઆરડી, ટીઆરબી એમ બધાએ કોરોના વેક્‍સિન લઇને સાબિત કર્યુ છે કે તેમાં કોઇ આડસર નથી અને ખુબ જ સલામત છે. આ વાતે આજે કોરોના વેક્‍સિનનો બીજો ડોઝ લેતી વખતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવી હતી.

શ્રી અગ્રવાલે કહ્યું હતું કે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી જવાન, ટીઆરબી, જીઆરડી જવાનો એક વર્ષ સુધી સતત સક્રિય રહ્યા છે. હવે કોરોના વેક્‍સિનની સુવિધા મળી છે ત્‍યારે ગત  ૨૮ જાન્‍યુઆરી પછી બધાએ પહેલો ડોઝ લીધો હતો. ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ એવા આ અધિકારીઓ, કર્મચારીઓએ વેક્‍સિન લીધા પછી એ સાબિત કર્યુ છે કે રસી લેવાથી કોઇ આડઅસર કે નુકસાન નથી. પણ ઉલ્‍ટાની તે ખુબ જ સલામત છે.  ૨૮ ફેબ્રુઆરીથી વેક્‍સિનનો બીજો ડોઝ આપવાનું ચાલુ થઇ ગયું છે. રાજકોટના લગભગ તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ બીજો ડોઝ પણ લઇ લીધો છે.

છેલ્લા એક વર્ષમાં શહેરને કોવિડથી બચાવવા પોલીસે ખુબ સારુ કામ કર્યુ છે. તેમાં રાજકોટના રહેવાસીઓએ પણ પોલીસને ખુબ જ સારો સહકાર આપ્‍યો છે એ માટે હું તમામ શહેરીજનોનો આભારી છું. કોરોના હવે ઘટયો છે અને ઝડપથી સમગ્ર શહેરીજનોને વેક્‍સિન મળી જશે અને બધા સલામત બની જશે તેવી આશા છે. કેન્‍દ્ર સરકાર-રાજ્‍ય સરકારે વેક્‍સીનની વ્‍યવસ્‍થા કરી આપી છે તેનો તમામ લોકોને લાભ મળી રહેશે.

પોલીસ પરિવારના સભ્‍યોને પણ હવે વેક્‍સિન આપવાનું શરૂ થશે. પ્રારંભે સાંઇઠ વર્ષ કે તેથી ઉપરની ઉમરના સદસ્‍યોને રસી અપાશે. આ માટે રજીસ્‍ટ્રેશન સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમ વધુમાં શ્રી અગ્રવાલે કહ્યું હતું. તેમની સાથે વેક્‍સિનેશન વખતે જેસીપી શ્રી ખુરશીદ અહેમદ સાથે રહ્યા હતાં. પોલીસ હેડક્‍વાર્ટર ખાતે તેમણે રસીનો બીજો ડોઝ લીધો હતો.  હેડક્‍વાર્ટરના એસીપી શ્રી જી. એસ. બારીયા, રિઝર્વ પીઆઇ મયુર કોટડીયા, બિપીનભાઇ પટેલ  સહિતના વેક્‍સિનેશન માટેની વ્‍યવસ્‍થા સંભાળી રહ્યા છે.

(1:53 pm IST)