રાજકોટ
News of Friday, 5th March 2021

લવમેરેજના ત્રણ જ મહિના બાદ નેહાએ ફાંસો ખાઇ દુનિયા છોડીઃ પિતાએ ત્રાસનો આક્ષેપ કર્યો

પરાપીપળીયા માવતર ધરાવતી યુવતિએ મોલમાં સાથે કામ કરતાં ભારતનગરના નિલેષ વાઘેલા સાથે પરિવારની સહમતિથી લગ્ન કર્યા હતાં: મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવ્‍યું

રાજકોટ તા. ૫: જીવરાજ પાર્ક નજીક ભારતનગર આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતી નેહાબેન નિલેષ વાઘેલા (ઉ.વ.૩૦) નામની નવોઢાએ સાંજે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ નિલેષે કામ બાબતે ઠપકો આપતાં પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું. પરંતુ નેહાબેનના પિતા પરાપીપળીયા રહેતાં વિજયભાઇ લીલાધરભાઇ બદરકીયાએ દિકરીને ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

ભારતનગરમાં નેહાબેન વાઘેલાએ આપઘાત કર્યાની જાણ ૧૦૮ મારફત થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ. જી. અંબાસણા અને રમેશભાઇએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. તપાસમાં ખુલ્‍યા મુજબ નેહાબેનના માવતર પરાપીપળીયા રહે છે. તેણી મોલમાં બૂટના શો રૂમમાં નોકરી કરતી હતી. સાથે જ કામ કરતાં નિલેષ વાઘેલા સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ત્રણ મહિના પહેલા જ પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં.

પતિએ પ્રાથમિક પુછતાછમાં પોલીસને કહ્યું હતું કે પત્‍નિ સતત ફોનમાં વ્‍યસ્‍ત રહેતી હોઇ કામમાં ધ્‍યાન દેવાનું કહી ઠપકો અપાતાં ચડભડ થતાં માઠુ લાગી જવાથી પગલુ ભર્યુ હતું. જો કે મૃતકના પિતાએ દિકરીને ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. અંતિમવિધી બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(1:51 pm IST)