રાજકોટ
News of Friday, 5th March 2021

જુગાર રમાડતા પિતા-પુત્ર સહિત ૧૯ શકુનીઓ જબ્બે

રાજકોટમાં ત્રણ જુગારધામ ઝડ્પાયા : ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને જુદા જુદા પોલીસ સ્ટેશનોને હુકમ આપવામાં આવ્યા

રાજકોટ,તા. : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ જુગારધામ પર દરોડો પાડીને પિતા-પુત્ર સહિત કુલ ૧૯ શકુનીઓ ને ઝડપી પાડયા છે. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ક્રાઈમ બ્રાન્ચ એસ..જી તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના થાણાના અમલદારો અને આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડીને ૧૯ જેટલા આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે. વાતચીતમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ યુ. બી જોગરાણાની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગર શેરી નંબર ૧૦ના ખૂણે હિના પાનની બાજુમાં આવેલા રહેણક મકાનમાં કેટલાક લોકો એકઠા થઇ તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.

ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા કરતા ઘટનાસ્થળેથી આઠ જેટલા આરોપીઓ મળી આવ્યા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા ,૨૧,૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમવી રબારી અને તેમની ટીમના પ્રતિપાલસિંહ ઝાલા અને એભલભાઇને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાલાવડ રોડ ઉપર આવેલા નવા દોઢસો ફૂટ રીંગ રોડ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પંડિત દીનદયાળ નગર રંગોલી પાર્કના ક્વાર્ટરમાં કેટલાક લોકો એકઠા થઇ તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને મળેલા બાતમીના આધારે રેડ કરતા ઘટનાસ્થળ પરથી આઠ જેટલા લોકો ઝડપાયા હતા. જેમની પાસેથી ૮૦ હજારથી પણ વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

તો સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ચાર-પાંચ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે કે, પીએસઆઇ વનરાજસિંહ જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૨૭ માં આવેલા રહેણાક મકાનમાં ખેતાણી પિતા-પુત્ર વરલી ફીચર ના આંકડા લઈ જુગાર રમતા હોય તે પ્રકારની બાતમી મળી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા લઈ રેડ કરતા પિતા-પુત્ર વરલી ફીચર ના આંકડા લઈ જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકડ રકમ ૧૪૮૨૦ તેમજ ૯૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પિતા-પુત્રના રહેણાંક મકાનમાં તપાસ કરતાં દારૂની બોટલ મળી આવતાં પ્રોહિબિશનનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કે ઘરમાંથી ૧૭ જેટલા કોઈપણ જાતના બિલ કે આધાર વગરના મોબાઇલ ફોન મળી આવતા તેનો પણ અલગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:40 pm IST)