રાજકોટ
News of Tuesday, 5th February 2019

ચોખાના ર૦ દાણા ગળી જાવ, એસીડીટી દૂર થશે

રિફલેકસોલોજી નિષ્ણાત નવનીતભાઇ શાહ 'અકિલા'ની મુલાકાતે : અનુભવ સિદ્ધ પ્રયોગો વર્ણવ્યા : બ્લોકેજ ન થાય તે માટે સૂર્ય મુદ્રામાં જમણુ નાક દબાવીને કપાલભાતિ કરોઃ કાલે સવારે ૯ થી ૧૧ વિનામૂલ્યે સારવાર : પગના તળિયાના પોઇન્ટથી મોટાભાગની શારીરિક સમસ્યાઓ દૂર થાય

જમણેથી શ્રી નવનીતભાઇ શાહ, ડો. દેવીપ્રસાદ દવે, ડો. હેમાંગ જાની નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. પ : એસીડીટીની સમસ્યા હોય તો સવારે નરણાકોઠે ચોખાના ર૦ દાણા આખા ગળી જાવ. ર૧ દિવસ આ પ્રયોગ કરો, એસીડીટીમાં ખૂબ રાહત થઇ જશે.

આ પ્રયોગ નવનીતભાઇ શાહે આપ્યો છે. નવનીતભાઇ કાંદીવલી મુંબઇ રહે છે અને રિફલેકસોલોજી નિષ્ણાત છે. તેઓ ૩૭ વર્ષથી નિઃસ્વાર્થભાવે ટ્રેનિંગ-સારવાર આપે છે. તેઓ આજે 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા.

શ્રી શાહે જણાવ્યું હતું કે, વ્યકિત થોડી કાળજી રાખે તો બિમાર ન પડે. સામાન્ય શારીરિક સમસ્યાઓનો ઇલાજ પગના તળિયામાં છૂપાયેલો છે. ચરણદાબ પદ્ધતિ-પગના તળિયાના પોઇન્ટસના પ્રયોગોથી આશ્ચર્યજનક પરિણામો મળે છે. આ પ્રયોગોમાં કોઇ આડઅસર નથી, કોઇ જ સાધનોની જરૂરત નથી, નિઃશુલ્ક સેવા છે.

જય ભગવાન એકયુપ્રેસર સર્વિસ ચાલે છે. નવનીતભાઇ શાહે ગુરૂ સ્વ. ચીમનભાઇ દવે પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. નવનીતભાઇએ નિઃસ્વાર્થભાવથી ૪૧૪ કેમ્પ કર્યા છે. ૧ લાખ લોકોને વિનામૂલ્યે ટ્રેનિંગ આપી છે બે લાખ લોકોની સારવાર કરી છે. આ સેવા છેલ્લા ૩૭ વર્ષોથી કરી રહ્યા છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, નસ-નાડીના બ્લોકેજ ખોલવા માટે ડાબા હાથે સૂય ર્મુદ્રામાં રહીને જમણા હાથથી જમણી બાજુનું નાક બંધ કરો અને આ સ્થિતિમાં કપાલભાતિ પ્રાણાયામ કરો. બ્લોકેજ ખોલવા માટે આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે.

રાજકોટમાં ટ્રેનિંગ-સારવાર ચાલી રહ્યા છે. આરોગ્ય સમસ્યાની સારવાર માટે તા. ૬ અને તા. ૭ બે દિવસ સવારે ૯થી ૧૧-૩૦ વાગ્યા સુધી અમીન માર્ગ પર સીઝન સ્કવેરમાં બીજા માળે સંપર્ક કરી શકાય છે. આ સારવાર સંપૂર્ણ વિનામૂલ્યે છે.

નવનીતભાઇ શાહે પાસેથી ટ્રેનિંગ લીધેલા ૩૦૦ નિષ્ણાતોની ટીમ મુંબઇમાં નિઃસ્વાર્થભાવે સેવા આપે છે. શ્રી શાહે આરોગ્યના સામાન્ય નિયમો જણાવતા કહ્યું હતું કે, પાણી સમય પર પીને પણ આપણે પેટ તથા શરીરના અન્ય કેટલા રોગોથી બચી શકીએ છીએ.

* પ્રાતઃ ઉઠીને ર ગ્લાસ પાણી પીઉ તથા એક કલાક સુધી ચા, દૂધ કંઇ પણ ન લેવું.

* ભોજનના અડધો કલાક પહેલા તથા ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવું.

* આખા દિવસમાં ૧૦-૧ર ગ્લાસ પાણી પીવું.

* આજ કાલના આધુનિક યુગમાં વીજળીના ઉપકરણોના લીધે શારીરિક શ્રમ ઓછું થઇ ગયું છે. એટલે પ્રતિદિન હલકી વ્યાયામ, આસન જરૂર કરવા. પ્રતિદિન થોડું દોડવું, ઝડપથી ચાલવું, તરવું વિગેરે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

* સંપૂર્ણ ઉંઘ લો અને આરામ કરો.

* રાત્રિમાં જલ્દી સોઇ પ્રાતઃ જલ્દી ઉઠો.

* આખા દિવસમાં તનાવરહિત થઇને પ્રસન્નતાથી કાર્ય કરવું જેનાથી આપણી શારીરિક અને માનસિક કાર્યક્ષમતા વધશે.

*મનના વિવિધ વિચારો, આવેગ, ઉત્તેજક પ્રતિસ્પર્ધા, પ્રતિક્રિયા આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યમાં ખલેલ પહોંચાડે છે તેથી તેમનાથી બને તેટલા દૂર રહેવું.

* ગરમ-ઠંડું સેક- બે વાસણ લો. એક વાસણમાં સારી રીતે ગરમ કરેલ અને એકમાં ફીઝનું ઠંડું પાણી લો. બંનેમાં અલગ અલગ કપડું નાખી દો. પછી વારાફરતી ગરમ અને ઠંડા પાણીના કપડાથી ૧૦-૧૦ સેકન્ડ સેક કરો. સેક ગરમ પાણીથી શરૂ કરી ગરમ પાણી પર બંધ કરો એવું ૧૦ મિનિટ સવાર-સાંજ કરો. દુખાવો અને સોજા વધુ હોય તો વાસણમાં ૧-૩ લીટર પાણી લઇને તેમાં એક ચમચી હળદર પાવડર, એક ચમચી સુંઠ પાવડર એક ચમચી વાટેલી ફટકડી પાવડર તથા ૧૦૦ લીંમડાની પાંદડા નાખીને ઉપર ચારણી મૂકી દો. ગરમ થવા પર ધીમા તાપે અને માપથી કપડાની પટ્ટીથી દુખતા અંગ -કમર અને પગલનું પંદર મિનિટ પ્રાતઃ- સાંજ સેક કરો. તે પાણી પીવામાં બે વાર ગરમ કરવાના કામ માટે લઇ શકાય છે.

આ મુલાકાત પ્રસંગે દેવીપ્રસાદભાઇ દવે તથા હેમાંગભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતા. રિફલેકસોલોજી અંગે વધારે વિગતો માટે હરિવંદના ફિજિયો કોલેજ, મુંજકા ખાતે સવારે ૯થી ૧ વાગ્યા દરમિયાન સંપર્ક થઇ શકે છે. (૮.૧૬)

(3:26 pm IST)