રાજકોટ
News of Wednesday, 5th January 2022

૩૬ લાખ ૫૦ હજારનો ચેક રિટર્ન થતાં અક્ષરનીધી શરાફી મંડળીના ડીરેકટર સામે ફરીયાદ થતા સમન્સનો આદેશ

રાજકોટ, તા.૫: રાજકોટના કોઠારીયા મેઇન રોડ પર આવેલ અક્ષરનીધી શરાફી મંડળીના ડીરેકટર રાજેશકુમાર સામંતભાઇ ચાવડાએ પોતાના પિતરાઇ ભાઇ પાસેથી લીધેલ રૂપિયા ૩૬,૫૦,૦૦૦/ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા નોંધાયેલ ફરીયાદમાં આરોપીને અદાલતમાં હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ ખાતે એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા જે.એમ.કુવાડીયાએ પોતાના જ પિતરાઇ ભાઇ રાજેશકુમાર સામંતભાઇ ચાવડા કે જેઓ કોઠારીયા મેઇન સ્થિત અક્ષરનીધી શરાફી મંડળીના ડીરેકટર છે તેઓને નાણાની જરૂરીયાત ઉભી થતા તેઓએ પોતાના પિતરાઇ ભાઇ તેમજ આ કામના ફરીયાદી પાસેથી કટકે કટકે રકમ હાથ ઉછીની લીધેલ હતી.

આરોપી રાજેશકુમાર ચાવડાએ પોતાના અંગત જરૂરીયાત માટે કટકે કટકે રૂપીયા ૩૬,૫૦,૦૦૦/ તેમના પિતરાઇ ભાઇ તથા આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીના લીધેલ હતા અને સદરહું રકમ સ્વીકારતા સમયે આરોપીએ ફરીયાદીને તા.૧૨/૧૧/૨૦૨૧ના રોજનો રકમ રૂપીયા ૩૬,૫૦,૦૦૦/નો ચેક પોતાની સહી કરી આપેલ હતો અને જણાવેલ હતુ કે ફરીયાદી ચેક બેંકમાં રજે કરતા વટાવવાઇ જશે તેથી ફરીયાદીએ આરોપીના વચન ઉપર વિશ્વાસ રાખી સદરહું ચેકનો સ્વીકાર કરેલ હતો. ફરીયાદીએ આરોપી દ્વારા આપેલ ચેક પોતાની બેંકમાં વટાવા માટે રજુ કરતા ચેક પુરતુ ભંડોળ ન હોવાના કારણે પરત ફરેલ હતો. ચેક પરત ફરતા ફરીયાદીએ એડવોકેટ શ્રી ગોકાણી મારફત આરોપી રાજેશકુમાર સામતભાઇ ચાવડા જે અક્ષરનીધી શરાફી મંડળીના ડીરેકટર છે તેને ફરીયાદીની કાયદેસરીન લેણી રકમ ચુકવી આપવા નોટીસ પાઠવી રકમ ચુકવવા માંગણી કરેલ હતી. જે નોટીસ આરોપીને બજી ગયેલ હોવા છતા આરોપીએ ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ પરત કરવામાં આવેલ ન હતી આથી ફરીયાદીએ રાજેશ સામતભાઇ ચાવડા વિરૂધ્ધ રાજકોટની નામદાર અદાલતમાં ફરીયાદ દાખલ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ હતી.

આરોપી વિરૂધ્ધ થયેલ ફરીયાદની ચકાસણી કર્યા બાદ ફરીયાદી તરફે રજુ થયેલ તમામ દસ્તાવેજો તથા પુરાવાઓને ધ્યાને લઇને નામદાર અદાલતે ફરીયાદમાં તથ્ય હોવાનું જણાવી તેનું સંજ્ઞાન લઇ આરોપી રાજેશકુમાર સામતભાઇ ચાવડાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, ઇશાન ભટ્ટ રોકાયેલ હતા.(૨૩.૧૯)

રીપન એમ.ગોકાણી

ફરીયાદીના વકીલ

(2:47 pm IST)