રાજકોટ
News of Wednesday, 5th January 2022

જંકશન પ્લોટમાં આવેલ આહુજા એપાર્ટમેન્ટના બિલ્ડર વિરૂધ્ધ થયેલ ફરીયાદ નામંજુર

વિવિધ સુવિધાઓ સંદર્ભે ગ્રાહક ફોરમમાં ફરીયાદ થયેલ હતી

રાજકોટ તા. પઃ જંકશન પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના ફલેટના માલીક એ સહીયારી સુવિધાઓ આપવાની ખામી અંગે બિલ્ડર સામે કરેલ ફરીયાદ રદ કરવાનો કન્ઝયુમર કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટનાં જંકશન પ્લોટ શેરી નં. ૧ર, માં આવેલ ''જી. એસ. આહુજા એપાર્ટમેન્ટ'' નાં નામથી આવેલ બહુમાળી બિલ્ડીંગના પાંચમાં માળે રહેતા મનાલીબેન ઉદયભાઇ બુધરાણીએ સને ર૦ર૦ની સાલમાં પોતે ખરીદેલ ફલેટની સહીયારી સુવિધાઓ જેવી કે અગલાસી, પાર્કિંગ, પાણી, જનરલ લાઇટ, સાફ સફાઇ વિગેરે બંધ કરી દીધેલ છે. અગાસીમાં તાળું મારી દીધેલ છે. પાર્કિંગમાં વાહનો રાખી અડચણ ઉત્પન્ન કરેલ છે. ફરીયાદીનું નળ કનેકશન રદ કરાવી દીધેલ છે. ફલેટની જનરલ લાઇટો બંધ કરાવી દીધેલ છે. સહીયારી સુવિધાઓનું મેઇન્ટેનન્સની રકમ ભરપાઇ કરતા હોવા છતાં કોઇ પહોંચ કે પાવતી આપતા નથી તેમજ દસ્તાવેજમાં લખ્યા મુજબની સહીયારી સુવિધાઓ આપવા માટે બિલ્ડર બંધાયેલ હોવા છતાં આવી તમામ પ્રકારની સુવિધાઓ બંધ કરી દેતા, એ સુવિધાઓ ચાલુ કરી દેવા માટેનો હુકમ કરવા અને મેઇન્ટેનન્સની રકમ ભરપાઇ કરેલ છે એની પહોંચ અપાવવા અને નળ કનેકશન સામાવાળા બિલ્ડર એ રદ કરાવી નાખેલ એ નવું લેવાની ફરજ પડેલ હોવાથી એના માટે થયેલ ખર્ચની રકમ વ્યાજ સહીત પરત આપવા તેમજ માનસીક ત્રાસનું વળતર તથા ફરીયાદ ખર્ચ અપાવવા અને એ અંગેનો હુકમ કરવા માટે સદરહું એપાર્ટમેન્ટના માલીક અને બિલ્ડર શ્રી રાધાક્રિશ્ના ગોધુમલજી આહુજા સામે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક) સમક્ષ એક ફરિયાદ દાખલ કરેલ હતી.

રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક)ના પ્રમુખ જજશ્રી વાય. ડી. ત્રિવેદી અને સભ્ય શ્રીમતી કે. પી. સચદેવ એ પોતાના વિસ્તૃત અને કાયદાકીય છણાવટ કરીને અને બન્ને પક્ષે રજુ કરેલ પુરાવાનું મુલ્યાંકન કરીને એવો ચુકાદો આપેલ છે કે, ફરીયાદીએ ખરીદ કરેલ ફલેટનાં દસ્તાવેજનાં પાના નં. ૩ અને ફકરા નં. ર માં દરેક ફલેટ માલીકોને જે-જે સહીયારી સુવિધાઓ આપવામાં આવેલ છે, તે આ દસ્તાવેજમાં શેડયુલ-સી માં દર્શાવેલ છે. તેનો જ માત્ર સહીયારી સુવિધામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દસ્તાવેજનાં પાના નં. પ અને ફકરા નં. ૭ માં બિલ્ડીંગની અગાસી બિલ્ડર્સની માલીકી હકકની રહેશે એમ જણાવેલ છે. દસ્તાવેજનાં પાના નં. ૭ અને ફકરા નં. ડી માં ફરીયાદી એ ફકત રહેણાંક હેતુ માટે જ ફલેટની ખરીદી કરેલ છે, તેનો ટયુશન કલાસીસ, બ્યુટી પાર્લર કે ઓફિસ તરીકે ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત દસ્તાવેજની શરત અન્વયે ફરીયાદીએ ઇલેકટ્રીક કનેકશન અને નળ કનેકશન પોતાના નામે ટ્રાન્સફર કરવાની અરજી કરેલ છે. આથી જુનું કનેકશન રદ કરવાનો અને નવા કનેકશનની માંગણી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ફરીયાદી એ સહીયારી સુવિધાઓનું મેઇન્ટેનન્સની રકમ સામાવાળાને આપેલ હોય અને તેની પહોંચ આપેલ હોય, તેવી હકીકત ફરીયાદી સાબિત કરી શકેલ નથી. આથી ફરીયાદી મનાલીબેન ઉદયભાઇ બુધરાણીએ કરેલ ફરીયાદ ગુણદોષ ઉપર નામંજુર કરવામાં આવે છે અને ફરીયાદ મુજબની એક પણ દાદ ફરીયાદી મેળવવા હકકદાર થતા નથી.આ કેસમાં એપાર્ટમેન્ટના માલીક અને બિલ્ડર શ્રી રાધાક્રિશ્ના ગોધુમલજી આહુજા વતી એડવોકેટ શ્રી અશ્વિન જે. પોપટ અને કલ્પેશ એન. વાઘેલા રોકાયેલ હતા.

(2:46 pm IST)