રાજકોટ
News of Wednesday, 5th January 2022

આસુઝ કંપનીના ખામી યુકત લેપટોપ બાબતે ગ્રાહક કમિશનમાં ફરિયાદ

રાજકોટ તા. પ : રાજકોટ તથા બગસરા રહેતા ચેતન મનસુખલાલ કોટીયાએ 'આસુઝ' ના બ્રાન્ડ નેઇમથી ઇલેકટ્રોનીકસ ગેઝેટસ ઉત્પાદન કરતી કંપની તથા તેના વિક્રેતા સામે ખામીમુકત લેપટોપના વેચાણ સબબ રાજકોટ ગ્રાહક તકરાર કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદીએ 'આસુઝ'ના બ્રાન્ડ નેઇમથી વેચાતા લેપટોપની ખરીદી રાજકોટમાં ૭ મનહરપેલટ કોર્નર ઉપર આવેલ ફોનીક્ષ આઇ.ટી.મોલમાંથી રૂ.૮ર,પ૦૦ ચુકવી પોતાના અંગત ઉપયોગ માટે તા.૧૬/ર/ર૧ ના રોજ ખરીદેલ.

ઉપરોકત લેપટોપ ખરીદયા બાદ તેઓએ તા.રર/ર/ર૧ થી જે તે લેપટોપ વાપરવાનું શરૂ કરેલ. પરંતુ જે તે પ્રોડકટ પહેલા જ દિવસથી કંપનીએ જે કન્ફીયુગ્રેશન દર્શાવેલ તે મુજબ કામ કરતું ન હતું બેટરીનો પ્રોબલેમ પ્રથમ દિવસથી જ શરૂ થઇ ગયેલ. કીબોર્ડ ખુબ જ ગરમ થઇ જતું

અત્રે ઉલ્લેખનીય છે કે લેપટોપ વેચતી વખતે વિક્રેતાએ જણાવેલ નહી કે જો પ્રોડકટમાં કોઇ ખામી હોય તો કંપની-૭ દિવસમાં રીપ્લેસમેન્ટ કરી આપશે. જેથી આ માહિતીના અભાવે ફરીયાદીના ૭-દિવસ પુરા થઇ ગયેલ અને તેઓએ કંપનીને ઓનલાઇન ફરીયાદ કરેલ. સર્વિસ એન્જીનીયરે લેપટોપ ચેક કર્યા બાદ તેવા નિષ્કર્ષ ઉપર આવેલ કે લેપટોપમાં ઘણાં બધા પાર્ટસ જેવા કે મધરબોર્ડ, મેઇન બોડ, બેટરી, સ્પીકર,  વાયફાઇ કાર્ડ વિગેરે બદલવાની જરૂર છે. એક વિશેષ ગેરકાયદેસરતા જોવા મળેલ કે પ્રોડકટનો સીરીયલ નંબર લેપટોપના સીરીયલ નંબર સાથે મેચ થતો  ન હતો જે સ્પષ્ટ કરે છે. કે સામાવાળાઓએ પુરા પૈસા લઇ નવા લેપટોપના બહાને વાપરેલું કે ડીફેકટીવ લેપટોપ ફરીયાદીને આપી દિધેલ.

ફેબ્રુઆરી-ર૧ થી મે-ર૧ દરમ્યાન ફરીયાદીએ કંપનીનાં પ્રતિનિધિઓનાં માન-અપમાન સહન કરીને લેપટોપ વાપરવા યોગ્ય બને તેના માટે સર્વિસ સ્ટેશનના ધકકાઓ ખાધા અને સર્વિસમેનની ઓન સાઇટ વિઝીટ કરાવી પરંતુ લેપટોપ પ્રોબ્લેમ યથાવત રહેતા અને લાંબો સમય રાહ જોવા છતાં જરૂરી પાર્ટ નહી આવતા કંપનીએ નવુ લેપટોપ આપવાનું પ્રલોભન આપી ૧ર/પ/ર૧ ના રોજ લેપટોપ રીપ્લેસ કરી આપેલ. પરંતુ જે તે લેપટોપ પણ ત્રાહીતનું વાપરેલું હોય તેવું ફરીયાદીને આપતા ફરીયાદીને છેતરપીંડીનો અહેસાસ થતા ફરીયાદી ચેતનભાઇ કોટીયાએ 'આસુઝ ઇન્ડીયા પ્રા.લી.' 'આસુઝ ટેકનોલોજી પ્રા.લી.તથા રાજકોટના વિક્રેતા 'ફીનીક્ષ આઇ.ટી.મોલ' સામે ગ્રાહક કમીશનમાં ફરીયાદ કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી વિકાસ કે.શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(2:46 pm IST)