રાજકોટ
News of Wednesday, 5th January 2022

રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં ખીસ્સા કાતરૂઓનો આતંકઃ મુસાફરો રોજેરોજ ભોગ બની રહ્યા છે

બસ સ્ટેન્ડમાં પોલીસ સુરક્ષા વધારોઃ ભારતીય કિસાન સંઘની કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૫:. ભારતીય કિસાન સંઘના આગેવાન દિલીપ સખીયા અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ગામડેથી આવતા ખેડૂતોના ખિસ્સા રાજકોટ બસ સ્ટેન્ડની અંદર કપાઈ રહ્યા છે. તેના માટે પોલીસ સુરક્ષા આપવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, રાજકોટ સીટીની અંદર જબરજસ્ત આધુનિક અને પ્રોફેશનલ બસ સ્ટેન્ડ બનાવેલ છે. આ બસ સ્ટેન્ડની અંદર દરરોજ લાખો મુસાફરો અવરજવર કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસ થયા બસ સ્ટેન્ડની અંદર ખીસ્સા કટીંગ કરનાર ટોળકી સક્રિય બની ગઈ છે. ઘણા બધા મુસાફરોની ખીસ્સા કાપવાની ફરીયાદો આવી રહી છે. ખાસ તો ગામડેથી આવતા ખેડૂતો આનો ભોગ વધારે પ્રમાણમાં બની રહ્યા છે. વહેલી સવારે વધારે પ્રમાણમાં આવા પ્રસંગો બને છે.
પહેલા જે જુનુ બસ સ્ટેન્ડ હતુ તે બસની અંદર એક નાની એવી પોલીસ ચોકીની પણ વ્યવસ્થા હતી, પરંતુ જ્યારથી અદ્યતન બસ સ્ટેન્ડ બન્યુ છે ત્યારે ત્યાં પોલીસ ચોકીની કોઈ વ્યવસ્થા ન હોવાને હિસાબે આમ જનતા આવા તત્વોનો ભોગ બની રહ્યા છે, તો અમારી વિનંતી છે કે રાજકોટ બસ સ્ટેન્ડની અંદર પોેલીસની સુરક્ષામાં વધારો કરે જેથી કરી લોકોન ભોગ બનતા બંધ થાય.

 

(2:37 pm IST)