રાજકોટ
News of Tuesday, 5th January 2021

કોરોના કાબુમાં છે આમ છતાં યુકેથી આવેલા ફેમેલી અંગે હાઇએલર્ટ એક મેમ્બરનો રીપોર્ટ પોઝિટિવ છે જે 'NIV પુના'માં મોકલાયો છે

લેન્ડ ગ્રેબીંગમાં પગલા લેવાતા રહેશે : ૧ થી ૨ કેસ પાઇપલાઇનમાં : ૨ થી ૩ તપાસ SDMને સોંપી છે : કોરોના રસી અંગે તમામ તૈયારીઓ કરી લેવાઇ છે : હેલ્થવર્કરો તથા ૫૦થી ઉપરનાની યાદી તૈયાર કરી લેવાઇ છે : કલેકટર

રાજકોટ તા. ૫ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર - જિલ્લામાં કોરોના ઘણો કાબુમાં છે, આમ છતાં તંત્રને એલર્ટ જ રખાયું છે, કારણ કે ગયા વર્ષે આ સમયમાં જ ફોરેનમાં કોરોનાના કેસો આવ્યા અને માર્ચથી ગતિ પકડી હતી.

કલેકટરશ્રીએ જણાવેલ કે, કોરોના ઘણો કાબુમાં છે, પરંતુ યુકેથી આવનારા લોકો અંગે ખાસ હાઇએલર્ટ રખાયું છે, તાજેતરમાં એક ફેમેલી આવ્યું છે, તેના ઉપર વોચ છે, શહેરમાં આવેલા આ એક ફેમેલી મેમ્બરમાંથી એકને કોરોના પોઝિટિવ છે, પરંતુ આ કેસમાં યુકેનો ખતરનાક સ્ટ્રેન પ્રકારનો કોરોના છે કે, કેમ તે અંગે સેમ્પલ NIV પુના મોકલાયા છે, જેનો રીપોર્ટ હજુ આવ્યો નથી, તેમજ આ ફેમેલીના એક મેમ્બર વડોદરા તો બીજા ગોંડલ ગયા તે અંગે પણ નજર રખાઇ રહી છે.

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અન્ય વધુ કેસો અંગે તેમણે જણાવેલ કે, ફરીયાદો આવી રહી છે, અને જે કેસમાં તથ્ય હશે તેમાં પગલા લેવાતા રહેશે, હાલ ૧ થી ૨ કેસ પાઇપલાઇનમાં છે, તો ૨ થી ૩ કેસ અંગે પ્રાંતને તપાસ સોંપી છે, નેકસ્ટ મીટીંગમાં આ રીપોર્ટ આવ્યા બાદ કમિટિને યોગ્ય લાગશે તો સીધી ફરિયાદ દાખલ કરવા અંગે નિર્ણય લેવાશે.

કોરોના રસી અંગે કલેકટરશ્રીએ જણાવેલ કે, આપણે જિલ્લા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે, ડોકટર - નર્સ સહિત તમામ ૮ હજારથી વધુ હેલ્થવર્કરો તથા ૬ થી ૭ લાખ જેટલા ૫૦થી ઉપરના લોકોની યાદી તૈયાર કરી લેવાઇ છે, હવે સરકાર ગાઇડ લાઇન - SOP આપશે તે મુજબ રસી અંગે કાર્યવાહી થશે.

(3:24 pm IST)