રાજકોટ
News of Saturday, 4th December 2021

વેકસીનની મેગા ડ્રાઇવ પુરપાટ દોડીઃ અર્ધા દી'માં ૮ હજારનું રસીકરણ

હોસ્પિટલો, બાંધકામ સાઇટ,ઝુંપડપટ્ટી, મોલ, માર્કેટમાં ૬૩ આરોગ્ય ટૂકડીઓ દોડાવાઇ : કાલે પણ રસીકરણ ઝુંબેશ ચાલુ

રાજકોટ,તા.૪:  મહાનગરપાલિકા દ્વારા આજે અને આવતીકાલે તા. ૫ના રોજ કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજના ૦૯:૦૦ વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ESIS હોસ્પિટલ ખાતે સવારે ૦૯:૦૦ વાગ્યા થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના ૦૨:૦૦ વાગ્યાથી સાંજના ૦૯:૦૦ વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, કન્સ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ૬૩ મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં આજે બપોર ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૮૨૧૩ નાગરિકોને કોરોના વેકસીન આપવામાં આવી છે. હાલ મેગા ડ્રાઈવની કામગીરી ચાલુ છે.

મેગા ડ્રાઈવ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરમાં નુરાનીપરા સ્લમ વિસ્તાર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને રૈયાધાર સ્લમ કવાર્ટરના દિનદયાળ ઔષધાલય ચાલતી વેકસીનેશનની કામગીરી નિહાળી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન 'હર ઘર દસ્તક' હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થાય ગયેલા નાગરિકોને ટેલીફોનીક પણ જાણ કરી વેકસીન લઇ લેવા અપીલ કરવામાં આવી રહી છે. શહેરના વધુને વધુ નાગરિકોને કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવનો લાભ લ્યે અને વેકસીન લેવામાં બાકી રહેલા નાગરિકોને વેકસીન લેવા અપીલ કરવામાં આવે છે.

(3:00 pm IST)