રાજકોટ
News of Saturday, 4th December 2021

શાપરમાં છ દિવસ પહેલા થયેલા હુમલામાં ઘાયલ યુપીના આધેડનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો

મહંત યાદવ (ઉ.વ.૪૫)એ રાજકોટ સિવિલમાં દમ તોડ્યોઃ ગયા રવિવારે આધેડ અને તેના પનિ પુરપાટ નીકળેલી કારની ઝડપે માંડ બચ્યા હોઇ કાર ચાલક અને સાથેના શખ્સોને ઠપકો દેતાં હુમલો થયો હતો

રાજકોટ તા. ૪: શાપર વેરાવળમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં મુળ ઉત્તરપ્રદેશના આધેડ પર ગયા રવિવારે શાપરના જ ત્રણેક શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો. આ આધેડનું આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. બંબાટ ઝડપે કાર હંકારીને નીકળેલા શખ્સોને ટપારતાં આ હુમલો થયો હતો.

જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં મુળ યુપીના દેવરીયાના મહંત શ્રીરામભાઇ યાદવ (ઉ.વ.૪૫) પર ગયા રવિવારે ૨૮મીએ સાંજે છએક વાગ્યે શાપરમાં અર્જુન, ભોજુ અને અરવિંદ નામના શખ્સોએ ધોકાથી હુમલો કરતાં ગંભીર ઇજા થતાં શાપર ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રાજકોટ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર મહંત યાદવ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેના પત્નિનું નામ કુસુમબેન છે. મહંત યાદવ છુટક મજૂરી કરતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ આ આધેડ તેમજ તેા પત્નિ કુસુમબેન અને જમાઇ ગયા રવિવારે રાજકોટ રવિવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતાં. ત્યાંથી પરત શાપર પહોચી ચાલીને ઘર તરફ જતાં હતાં ત્યારે એક સ્વીફટ કાર બેફામ ઝડપથી નીકળી હતી. જેની ઠોકરે ચડતાં ચડતાં આ બધા માંડ બચ્યા હતાં.

આ કારમાં શાપરનો ભોજુ હતો. તેને ધ્યાન રાખીને કાર હંકારવાનું કહેતાં તેણે મહંત યાદવ સાથે ઝઘડો કર્યો હતો. એ પછી ભોજુ, જયદિપ, અર્જુન અને રઘાએ મળી ધોકાના ઘા ફટકારતાં મહંત યાદવને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(12:05 pm IST)