રાજકોટ
News of Friday, 4th December 2020

કાલાવડ રોડ કપાત માટે ૨૨ મિલ્કત ધારકોના વાંધા-સૂચનોનું હીયરીંગ

વર્ષો અગાઉ કે.કે.વી. ચોકથી મોટામવા હદ સુધીના રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોળો કરવા ૮૨ મિલ્કત ધારકોને નોટીસ અપાયેલઃ આત્મીય કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલયે વૈકલ્પિક જમીન માંગી : કેટલાકે વળતર માંગ્યુ : ૨૧૦૦ મીટર જેટલી જગ્યાની કુલ કપાત થશે

રાજકોટ તા. ૩ : શહેરના કાલાવડ રોડને પહોળો કરવા માટે ૮ મહિના અગાઉ ૮૨ મિલ્કત ધારકોને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મિલ્કત કપાતની નોટીસ અપાયેલ. જેમાં ૨૨ મિલ્કત ધારકોએ વાંધા રજૂ કરતા તેનું હીયરીંગ તાજેતરમાં થયું હતું. જેમાં કેટલાકે વૈકલ્પિક જગ્યા તો કેટલાકે રોકડ વળતર અને એફ.એસ.આઇ. વગેરેની માંગ કરી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ કચેરીમાંથી સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કેકેવી ચોકથી મોટામવાની હદ સુધીના કાલાવડ રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ ૩૦ મીટરથી વધારી ૩૬ મીટર સુધી પહોળો કરવામાં નડતર રૂપ થતી રોડ પરની ૮૨ મિલ્કતોને કપાતની નોટીસ અપાઇ હતી.

આ નોટીસ સામે ૨૨ વાંધા અરજીઓ થયેલ જેનું હીયરીંગ તાજેતરમાં થયું હતું. આ મિલ્કત કપાતમાં આત્મિય કોલેજ તથા કેન્દ્રીય વિદ્યાલય જેવી સંસ્થાઓએ વૈકલ્પિક જગ્યા માંગી હોવાનું તો કેટલાક મિલ્કત ધારકોએ એફ.એસ.આઇ.માં વધારો અને કેટલાક મિલ્કત ધારકોએ કપાતના બદલામાં જમીનનો બજાર ભાવ આપવા માંગ કર્યાનું જાણવા મળ્યું છે.

આ મિલ્કત કપાતમાં ખાનગી મિલ્કતો ઉપરાંત આર.એન.બી. કવાર્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીમીંગ પુલ, સ્નેહનિર્ઝર સંસ્થા, ક્રિસ્ટલ મોલ, સરકારી હોસ્ટેલ, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, બી.એસ.એન.એલ. ઓફિસ વગેરે જેવી સરકારી તથા કોમર્શિયલ મિલ્કતોનો પણ સમાવેશ થાય છે.

(8:48 am IST)