રાજકોટ
News of Wednesday, 4th December 2019

બાલાજી હોલ પાછળ કવાર્ટરમાં પાણી ઢોળવાના ડખ્ખામાં ધોકા-પાઇપથી ધમાલઃ પાંચને ઇજા

રેશ્માબેન ખાન અને તેના બહેન તથા સામે શિતલબેન શિયાળ અને તેના બહેન-બનેવીને ઇજા

રાજકોટ તા. ૪: બાલાજી હોલ પાછળ આવાસ યોજના કવાર્ટરમાં બે મહિલા વચ્ચે પાણી ઢોળવા બાબતે બોલાચાલી-ગાળાગાળી થયા બાદ બંનેના પક્ષ વચ્ચે ધોકા-પાઇપથી ધમાલ થતાં છને ઇજા થઇ હતી. પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી છે.

બનાવ અંગે તાલુકા પોલીસે બાલાજી હોલ પાછળ સાગર ચોક આવાસ યોજના કવાર્ટર નં. ૨ ગ્રાઉન્ડ ફલોર પર રહેતાં રેશ્માબેન મન્સુરભાઇ ખાન (ઉ.૩૦)ની ફરિયાદ પરથી પડોશી શિતલબેન અને રમજાનભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

રેશ્માબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. ૨ના સાંજે પાંચેક વાગ્યે ઘરે હતી ત્યારે મારા કવાર્ટરની સામેના બ્લોકમાં રહેતાં શિતલબેને ચોકમાં પાણી ઢોળતાં તેમને પાણી પર સાવરણો મારી સાફ કરવાનું કહેતાં તેણે સફાઇ કરવાની ના પાડી મારી સાથે ઝઘડો કરતાં બીજા મહિલાઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. એ પછી ગઇકાલે મંગળવારે સાંજે ફરીથી શિલતબેને ચોકમાં પાણી ઢોળતાં હું તથા મારા બહેન ઘરે હોઇ તેને પાણી ઢોળવાની ના પાડતાં ઝઘડો શરૂ કર્યો હતો. એ પછી શિતલબેન અને તેના પડોશી રમજાનભાઇએ આવી પાઇપથી હુમલો કર્યો હતો. બે અજાણ્યા શખ્સોએ પણ ધોકાથી હુમલો કર્યો હતો. અમે ઘરના દરવાજા બંધ કરી દેતાં દરવાજા પર ઘા ફટકાર્યા હતાં.

મને માથામાં પાઇપનો એક ઘા લાગી ગયો હતો. મારી બહેન આરતી વચ્ચે પડતાં તેને પણ આ લોકોએ મારકુટ કરતાં અમારે બંનેને સારવાર લેવી પડી હતી.

સામા પક્ષે કવાર્ટર નં. ૧૨૩૪ બ્લોક નં. ૨માં રહેતાં શિલતબેન મુકેશ શિયાળ (કોળી) (ઉ.૨૪)ની ફરિયાદ પરથી રેશ્માબેન, તેની નાની બહેન અને નાની બહેનના પતિ વિરૂધધ પોલીસે ગુનો નોંધ્યો છે. શિતલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે સાંજે પાંચેક વાગ્યે હું ફલેટમાં નીચે પાણી ભરવા ગઇ હતી અને એ પછી મોટર લઇને ઉપર જતી રહી હતી. પાણી ઢોળાયું હોઇ જેથી નીચેના માળે રહેતાં રેશ્માબેને અમારા ઘર પાસે કેમ પાણી ઢોળે છે? તેમ કહી ગાળો દેતાં ઝઘડો થયો હતો. મારા બહેન-બનેવી વચ્ચે પડતાં રેશ્માબેને વધુ ઝઘડો કરી મને નાક પર ધોકો મારી દીધો હતો. તેમજ બહેન-બનેવીને ઢીકા-પાટુ મારી લીધા હતાં. મને લોહી નીકળતાં ૧૦૮ બોલાવી હોસ્પિટલે પહોંચી હતી.

બંને બનાવમાં તાલુકા પોલીસ મથકના  પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ ડી.વી. ખાંભલાએ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)