રાજકોટ
News of Tuesday, 4th December 2018

સંદેશ ચેનલના રિપોર્ટર રહિમ લાખાણી પર પોલીસ કમિશ્નર કચેરીના ગેઇટ પાસે હુમલોઃ ગળાચીપ આપી

ધ્યાન રાખીને કાર રિવર્સમાં લેવાનું કહેતાં ચાલકે પિત્તો ગુમાવ્યોઃ ગાળો દઇ ધમકી પણ દીધી

રાજકોટ તા. ૪: સંદેશ ન્યુઝ ચેનલના રાજકોટના રિપોર્ટર નવા થોરાળા રામનગરમાં રહેતાં રહિમ હસનભાઇ લાખાણી (ઉ.૩૬) પર આજે બપોરે પોલીસ કમિશ્નર કચેરીના ગેઇટ પાસે કાર ચાલકે હુમલો કરી ઝાપટો મારી ગાળો દઇ ગળાચીપ આપી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. બનાવને પગલે સાથી કર્મચારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતાં. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરવામાં આવી રહી છે.  કાર રિવર્સમાં લેતી વખતે ધ્યાન રાખવાનું કહેતાં આ માથાકુટ થયાનું બહાર આવ્યું છે.

બપોરે રહિમ લાખાણી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધી પ્ર.નગર પોલીસમાં જાણ કરી છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં એવું જણાવાયું છે કે રહિમ લાખાણી અને સાથે કેમેરામેન હાર્દિક નળીયાપરા એસપી ઓફિસે પત્રકાર પરિષદમાં હાજરી આપવા બાઇક પર જતાં હતાં ત્યારે પોલીસ કમિશ્નર ઓફિસ પાસે એક ઇનોવા કાર અચાનક રિવર્સમાં આવી હતી. તેના ચાલકને રહિમ લાખાણીએ ધ્યાન રાખવાનું કહેતાં ચાલકે નીચે ઉતરી ગાળો ભાંડી હતી અને પત્રકાર હોય તો શું થઇ ગયું? કહી ઝાપટો મારી ગળાચીપ આપી હતી. આ કાર ચાલકનું નામ ગોૈતમ આહિર હોવાનું અને તે તાલુકા પંચાયતમાં સભ્ય તથા યાર્ડમાં ડિરેકટર હોવાનું રહિમને જાણવા મળ્યુ હતું.

રિપોર્ટર રહિમ લાખાણીનો શ્વાસ રૃંધાવા માંડતા ૧૦૮ બોલાવીને તેને હોસ્પિટલે ખસેડાયેલ. હોસ્પિટલ ચોકીના સ્ટાફ મારફત પ્ર.નગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવવામાં આવી છે.

(4:00 pm IST)