રાજકોટ
News of Monday, 4th December 2017

તાવડી વાજુ ખરીદવા આવેલા દરજી બંધુને ભાવ બાબતે દૂકાનદાર મુસ્‍લિમ પિતા-પુત્ર સાથે બખેડો

વિરાણી ચોક સીજે કોમ્‍પલેક્ષમાં આવેલી રજવાડી એન્‍ટીક નામની દૂકાનમાં બનાવઃ એક બીજાને ઘુસ્‍તા-પાટા-લોખંડની ચેઇનથી ઇજા પહોંચાડીઃ એ-ડિવીઝન પોલીસે અફઝલ સૈયદ અને અનિલ પરમારની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૪: વિરાણી ચોકના સીજે કોમ્‍પલેક્ષમાં આવેલી રજવાડી એન્‍ટીક નામની દૂકાને જુના જમાનાનું તાવડી વાજુ લેવા આવેલા દરજી યુવાન અને તેના મોટા ભાઇને ભાવતાલ બાબતે દૂકાનદાર મુસ્‍લિમ યુવાન અને તેના પિતા સાથે બોલાચાલી થયા બાદ બંનેએ એક બીજા પર હુમલો કરી લોખંડની સાંકળ અને ઢીકા-પાટુનો માર મારતાં દેકારો મચી ગયો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. દરજી બંધુ અને મુસ્‍લિમ પિતા-પુત્રને ઇજા થતાં પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી હતી.

બનાવ અંગે એ-ડિવીઝનના પી.એસ.આઇ. એ. જી. અંબાસણા અને હેડકોન્‍સ. પી.વી. નાગાણીએ અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ પર આરએમસી બગીચા સામે ઓમ નામના મકાનમાં રહેતાં અને સોની બજારમાં ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુનો વેપાર કરતાં અનિલ ધીરજભાઇ પરમાર (દરજી) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી વિરાણી ચોકમાં રજવાડી એન્‍ટીક નામે દૂકાન ધરાવતાં સુભાષનગરના અફઝલ રસુલભાઇ સૈયદ અને તેના પિતા રસુલભાઇ સૈયદ સામે ગુનો નોંધ્‍યો છે.

અનિલના કહેવા મુજબ રવિવારે સાંજે પોતે અને મોટાભાઇ અશોકભાઇ પરમાર (ઉ.૪૫) રજવાડી એન્‍ટીક નામની દૂકાને ખરીદી કરવા ગયા હતાં. જ્‍યાં ભાવતાલ બાબતે રકઝક થતાં દૂકાનદાર રસુલભાઇ અને તેના દિકરાએ ગાળાગાળી કરતાં ગાળો બોલવાની ના પાડતાં બંનેએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. બાદમાં અફઝલે લોખંડની સાંકળથી હુમલો કર્યો હતો. જેમાં પોતાને અને મોટાભાઇને ઇજા થઇ હતી. દકોરો થતાં આસપાસના દૂકાનદારો ભેગા થઇ ગયા હતાં અને છોડાવ્‍યા હતાં. પોતાને ઇજા થઇ હોઇ ૧૦૮ મારફત સિવિલમાં દાખલ થયેલ હતો.

સામા પક્ષે રૈયા રોડ સુભાષનગર-૪ના ખુણે હવેલી ચોકમાં રહેતાં અફઝલ રસુલભાઇ સૈયદ (ઉ.૨૦)ની ફરિયાદ પરથી અશોક પરમાર અને તેની સાથેના શખ્‍સ સામે ગુનો નોંધાયો છે. અફઝલે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અને મારા પિતા રસુલભાઇ સાંજે દૂકાને હતાં ત્‍યારે અશોક પરમાર અને તેની સાથેના વ્‍યક્‍તિએ આવે ગ્રામોફોન (જુના જમાનાનું તાવડી વાજુ)ના ભાવ પુછતાં અમે ભાવ કહ્યો હતો. ત્‍યારે આ બંનેએ ભાવ ઓછો કરવા દબાણ કરતાં અમે કહેલ કે અમારે ધંધો નથી કરવો, તમે દૂકાનમાંથી જતાં રહો. આ વાતથી બંને ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી કરી ઢીકા-પાટુનો માર મારતાં મારા પિતા વચ્‍ચે પડતાં તેને પણ ઇજા કરી હતી. દરમિયાન એક શખ્‍સે દૂકાનની લોખંડની ચેઇન ખેંચતા તેને ઇજા થઇ હતી. ઝપાઝપીમાં મારા ખિસ્‍સામાંથી ૭૩૦૦ રૂપિયા પણ પડી ગયા હતાં.

પોલીસે બંને ફરિયાદ પરથી વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(4:40 pm IST)