રાજકોટ
News of Monday, 4th December 2017

મિલાદોત્સવથી આખુ રાજકોટ ગૂંજી ઉઠયું

'અકિલા'નો ગુરૂવારનો અહેવાલ ખરો ઠર્યોઃ માનવ મહેરામણ પગપાળા ઉમટી પડયુઃ બે દિ'ની રજાના લીધે પાંચ કિ.મી. લાંબુ જુલૂસ નીકળ્યુ : પ્રથમવાર જુલૂસમાં શણગારેલા 'ઘોડા'ની હારબંધ સંખ્યા વધી ગઇ : ગઇરાતથી જ શરૂ થયેલી પૈગમ્બર સાહેબના જન્મોત્સવની ઉજવણીનો સાંજ સુધી રહેલો ધમધમાટઃ અભૂતપુર્વ જુલૂસ બપોરે બે વાગ્યે ત્રિકોણ બાગ ખાતે પહોંચ્યુ : લારી સહિતના વાહનોમાં પાથરેલા 'કેક'ની માત્રા પણ આ વખતે વધી : 'અલમ'(નિશાન) હાથમાં લઇને પણ વધુ પ્રમાણમાં લોકો જોવા મળ્યા : માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી જ ૧ કિ.મી. લાંબુ જુલૂસ નિકળ્યુઃ નાના-મોટા તમામ લોકો પગપાળા જોડાતા તવક્કલ ચોકથી જીલ્લા ગાર્ડન ચોક પહોંચતા બે કલાક નિકળી : પહેલી જ વાર 'ગરૂડ ચોક' અને 'બાપુના બાવલાના ચોક'માં સાઉન્ડ સિસ્ટમનો મંચ ગોઠવી જુલૂસનું સ્વાગત કરાયુ

જૂલુસમાં હરતુ ફરતુ પરબ

રાજકોટ શહેરમાં નિકળેલા ભવ્ય જૂલુસમાં પહેલી જ વાર જમાલ સબિલ કમિટી (હુસેની ચોક) દ્વારા પાણીના માટલા રાખી શાનદાર બનાવેલી લારી દ્વારા હરતી ફરતી પાણીની સબિલ જોડી સૌની પાણીની તરસ બુજાવાઈ હતી.

પૈયમ્બર જયંતિની ઉજવણીનો જબરો ઉત્સાહ વર્તાય છે તેનો અકિલા દૈનિકના તા.૩૦/૧૧/૧૭ ના અંકમાં અપાયેલ ત્રણ દિ' પૂર્વેનો અહેવાલ આજે રાજકોટ શહેરમાં નિકળેલ જુલૂસ અભૂતપૂર્વ બની રહેતા સત્ય ઠર્યો છે.તેની અક્ષરસઃ કૃતિની તસ્વીર

 રાજકોટ, તા. ૪ :. આજે સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલજૂલુસ સાંજે ૪ વાગ્યા સુધી રેસકોર્ષ મેદાનમાં પહોંચતા 'મીલાદોત્સવ'થી આખુ રાજકોટ ગુંજી ઉઠયુ છે.

ગત ગુરૂવારે 'અકિલા' દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ વધુ એકવાર સત્ય ઠર્યો છે અને આગલા દિ' રવિવારના જાહેર રજાના દિવસે ઉત્સાહ બેવડાઈ જતા આજે સવારે રાજકોટમાં પાંચ કિલોમીટર લંબાઈ ધરાવતુ અભૂતપૂર્વ જૂલુસ નિકળ્યુ હતું.

બે દિ'ની રજાના લીધે જૂલુસમાં સવારથી જ અભૂતપૂર્વ માનવ મહેરામણ પગપાળા જોડાયું હતું.

જાણવા મળ્યા મુજબ માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી સવારે ૯ વાગ્યે ૧ કિ.મી. લંબાઈ ધરાવતુ જૂલુસ નિકળ્યુ હતુ તે તવક્કલ ચોકથી જીલ્લા ગાર્ડન ચોકમાં પહોંચતા બે કલાક પસાર થઈ ગઈ હતી અને જંગલેશ્વરના તમામ નાના-મોટા લોકો બહુમત સંખ્યામાં પગપાળા જોડાઈ ગયા હતા.

જ્યારે આ વખતે જૂલુસમાં 'શણગારેલા ઘોડા'ની હારબંધ સંખ્યા વધી ગઈ હતી અને હાથમાં જબરા અને વિશાળ - અલમ (નિશાન-ઝંડા) લઈને નિકળેલા લોકો પણ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા.જ્યારે પહેલી જ વાર 'ગરૂડ ચોક' (રામનાથપરા)માં સબ્રેહુસેન રોેઝા કમિટી દ્વારા સાઉન્ડ સિસ્ટમનો મંચ ગોઠવી અને એ જ રીતે (બાપુના બાવલા ચોકમાં) પણ યુવાનો દ્વારા મંચ ગોઠવી જૂલુસનું સ્વાગત કરવાનું સતત ચાલુ રખાયુ હતું. જે બાબત આકર્ષણરૂપ બની હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં અનેક મુસ્લિમ વિસ્તારોમાં વહેલી સવારે કેક આપી જન્મોત્સવ મનાવાયો હતો. એ ઉપરાંત મોટા મોટા કેક વાહનોમાં રાખી જૂલુસમાં વિતરણ કરવાની માત્રા પણ આ વખતે વધી હતી.

(12:09 pm IST)